મોડાસામાં સર્જાયો ગોઝારો અકસ્માત
એમ્બ્યુલન્સમાં આગ લાગતા નાસભાગ
આગમાં ચાર લોકો જીવતા ભૂંજાયા
નવજાત શિશુ,પિતા અને ડોક્ટર-નર્સના કરૂણ મોત
ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડાયા
પોલીસે ઘટનામાં સઘન તપાસ શરૂ કરી
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે હૃદયદ્રાવક ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગતાં તેમાં સવાર ચાર લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા.
મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશ મોચીના તાજા જન્મેલા ઉં.વ. 1 દિવસ બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ગોઝારી ઘટના બની હતી, જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા.
એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવરે વાહન ઉભું રાખ્યું હતું.જોકે સર્જાયેલી દર્દનાક દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર જીગ્નેશ મોચી,ઉં.વ. 38 તેમનું નવજાત બાળક,અને ડોક્ટર રાજકરણ રેટીયા,ઉં.વ. 30,નર્સ ભુરીબેન મનાત ઉં.વ. 23 આગમાં જીવતા જ ભૂંજાઈ ગયા હતા.
જ્યારે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા અને દાઝી ગયેલા અન્ય ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે, જેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર અંકિત ઠાકોર, ગૌસંગકુમાર મોચી,અને ગીતા મોચીનો સમાવેશ થાય છે.
મોડાસા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-194 મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. એમ્બ્યુલન્સમાં આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.