દ્વારકામાં તુલસી વિવાહની ઉજવણી
દેવઉઠી અગિયારસે કરાઈ ઉજવણી
ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો યોજાયો
શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવાયો
દ્વારકામાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર
યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
કારતક સુદ એકાદશીના શુભ દિને દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસને દેવઉઠી એકાદશી અથવા દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ચાતુર્માસની સમાપ્તિ અને ભગવાનના યોગનિદ્રામાંથી ઉત્થાનનું પ્રતીક છે.
આ મહોત્સવના ભાગરૂપે સાંજે 6 વાગ્યે મંદિર પરિસરમાં આવેલા રાણીવાસમાં બિરાજમાન ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે-ગાજતે નીકળ્યો હતો.આ વરઘોડો શહેરના રાજમાર્ગો પર ફરીને રાણીવાસમાં પાછો ફર્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાયો હતો. જગતમંદિરના પૂજારીઓ મુજબ, સાંજે ગૌધુલિક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલ સ્વરૂપનું તુલસીજી સાથે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો.