રાજયમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઇ ગયાં છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં ખંભાળીયા - દ્વારકા હાઇવે બંધ થઇ ગયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ ગઈ કાલે સાંજથી જ ભારે વરસાદ વરસ્યો હતો અને કલ્યાણપુર તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે આવેલ હાઇવે પર આપવામાં આવેલાં ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. હાઇવે બંધ થઇ જતાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં અટવાય ગયાં હતાં. ખંભાળીયાથી દ્વારકાને જોડતાં હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે લીમડી પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણ ડાયવર્ઝન પાણીમાં ગરક થઇ જતાં હાઇવે બંધ થઇ ગયો હતો. હાઇવે પર બંને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી.