Connect Gujarat
ગુજરાત

"ઈદ-ઉલ-અઝહા" : રાજ્યભરમાં મુસ્લિમ બિરદારોએ બકરી ઈદની શાનો શૌકત સાથે ઉજવણી કરી…

આજે ઈદ-ઉલ-અઝહા એટલે બકરી ઈદનો પવિત્ર પર્વ, રાજ્યમાં મુસ્લિમ બિરદારોએ કરી બકરી ઈદની ઉજવણી

X

ઇસ્લામ ધર્મમાં વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ અઝહાનો તહેવાર બકરી ઈદ તરીકે પણ ઉજવાય છે, ત્યારે આજે રાજ્યભરમાં મુસ્લિમ બિરદારોએ ઈદ-ઉલ-અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

ઈદ-ઉલ-અઝહા, અઝહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. એટલે ઇદુલ જહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે, ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં વસતા મુસ્લિમ બિરદારોએ ઈદ-ઉલ-અઝહાના પર્વની ભવ્ય ઉજવણી કરી એકમેકને શુભેચ્છા પાઠવી હતી. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચના ઈદગાહ મેદાને મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ મોકૂફ રાખવામાં આવી હતી. મુસ્લિમ સમાજે બકરી ઈદના પવિત્ર દિવસે પઢવામાં આવતી નમાઝ ઘર નજીકની મસ્જિદમાં અદા કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

તો બીજી તરફ, સંસ્કારીનગરી વડોદરામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અઝહાની ભવ્ય ઉજવણી કરી હતી. જોકે, વરસાદના કારણે કેટલાક મુસ્લિમ ભાઈઓએ ઘર અને મહોલ્લા નજીક આવેલ મસ્જિદમાં નમાજ અદા કરી હતી. સાથે જ ઈદગાહ મસ્જિદમાં બાળકો, યુવાનો સહિત વૃદ્ધોએ ઈદ-ઉલ-અઝહાની નમાજ અદા કરી એકમેકને મુબારકબાદી પાઠવી હતી. સમગ્ર દેશમાં ભાઈચારા સાથે કોમી એખલાસભર્યા વાતાવરણમાં તમામ તહેવારો ઉજવાય તે માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી.

ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. ઈસ્લામ ધર્મમાં ઈદ-ઉલ-અઝહા બીજો સૌથી મોટો તહેવાર છે, ત્યારે ભાવનગર ખાતે પણ ઈદ ઉલ અઝહા નિમિત્તે મુસ્લીમ બિરાદરો દ્વારા ઈદગાહમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. આ સાથે જ કબ્રસ્તાનમાં કબર પર ફુલો ચઢાવી દુવા ગુજારવામાં આવી હતી. આજના પવિત્ર દિવસે મુસ્લીમ બિરાદરોએ પોતાના પરિવાર સાથે ઘોઘા, કુડા, કોળીયાક અને બોરતળાવ ખાતે ઉજવણી કરવા ઉમટી પડ્યા હતા.

જુનાગઢ ખાતે પણ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર બકરી ઈદ નિમિત્તે જુમ્મા મસ્જિદ ખાતે ઈદ-ઉલ-અઝહાની નમાઝ અદા કરવામાં આવી હતી. શહેરની જુદી જુદી મસ્જિદોમાં ઈદ-ઉલ-અઝહાની નમાઝ અદા કરી મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગળે લગાવી શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ ધારાસભ્ય, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓએ મુસ્લિમ બિરાદરોને ઈદ-ઉલ-અઝહાની શુભકામનાઓ પાઠવી હતી. બકરી ઈદ નિમિત્તે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

હવે વાત અમરેલી જીલ્લાની, અમરેલી જિલ્લામાં પણ ઈદ-ઉલ-અઝહાની શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી હતી. સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલા, ધારી, ચલાલા, લાઠી, લીલીયા, વડિયા, કુંકાવાવ, બગસરા સહિતના તાલુકા મથકો પર મુસ્લિમ બિરદારોએ ઈદની નમાજ અદા કરી હતી. ત્યારબાદ એકમેકને ગળે લગાવી બકરી ઈદની મુબારકબાદી પાઠવી હતી. તો બીજી તરફ કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓ ઈદના અવસરે જોવા મળી હતી, જ્યાં હિન્દુ સમાજના લોકોએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી

Next Story