રતનપરમાં વીજકર્મીઓ અને વીજગ્રાહક વચ્ચે માથાકૂટ
વીજગ્રાહકે વીજકર્મીને થપ્પડ મારતા મામલો ગરમાયો
વીજગ્રાહકની ખુલ્લી દાદાગીરીનો વિડિયો સામે આવ્યો
PGVCLના નાયબ ઈજનેરે પોલીસમાં ફરિયાદ નોંધાવી
ફરિયાદના આધારે જોરાવરનગર પોલીસ દ્વારા કાર્યવાહી
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં વીજગ્રાહકના ઘરે સોલાર સ્માર્ટ મીટર લગાવવા ગયેલા વીજકર્મી સાથે વીજગ્રાહકે માથાકૂટ કરી થપ્પડ મારી હોવાનો વિડિયો સામે આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે વીજકંપનીના નાયબ ઈજનેરે વીજગ્રાહક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારની સંજીવની સોસાયટીમાં રહેતા વીજગ્રાહકને ત્યાં ડેપ્યુટી એન્જિનિયર બાબુ પ્રજાપતિ અને ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ અલ્પેશ ચૌહાણ સોલાર સ્માર્ટ મીટર લગાડવા માટે ગયા હતા. જેમાં વીજકર્મીઓ દ્વારા મકાનમાં રહેલું જૂનું મીટર કાઢી સોલાર સ્માર્ટ મીટર નાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે મકાન માલિક સહિતના સભ્ય જયરાજસિંહ પરમારે વીજકર્મીઓ સાથે સ્માર્ટ મીટર નાખવાનો પરિપત્ર ન હોવા છતાં કામગીરી કરવામાં આવતા રકઝક કરી ફરજ પરના વીજકર્મીને થપ્પડ મારી દીધી હતી. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ, PGVCLના ડેપ્યુટી ઈજનેર બાબુ પ્રજાપતિએ જયરાજસિંહ પરમાર વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સરકારી અધિકારીની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અલ્પેશ ચૌહાણને માથાના ભાગે થપ્પડ મારી ઇજા પહોચાડ્યા બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.