કમોસમી માવઠાના પીડિત ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ
અમરેલી-ભાવનગરમાં ખેતી બચાવો સત્યાગ્રહનો આરંભ
ખેડૂતોની ખેતી બચાવવા જન આંદોલન કરતા કોંગી નેતાઓ
ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું
પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના આગેવાનોની હાજરી
અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને કોંગ્રેસ દ્વારા 'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.
કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આ આદોલન 8 નવેમ્બર સુધી જિલ્લાના અલગ-અલગ તાલુકામાં યોજાશે. આંદોલનના પ્રથમ દિવસે કોંગી નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા હતા. પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, 'આપ' અને 'બાપ' બન્નેને એક જ માની પેદાશ ગણાવ્યા હતા. ત્યારબાદ પરેશ ધાનાણી સહિતના આગેવાનો સિંગ અને કપાસના ઝીંડવા માથે ઉપાડી વડિયા મામલતદાર કચેરી પહોંચી દેવા માફી અને તાત્કાલિક સહાય મામલે આવેદન પત્ર આપી માગ કરી હતી. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ એક વીઘો ઉત્પાદન માટે 17 હજાર 200ને 35 રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે. વીઘે 20 મણ જેટલી માંડવીના ઉતારા પાણીમાં પલળી ગયા છે. ખેડૂતોને વીઘે 50 હજારનું નુકસાન થયું છે.
તો બીજી તરફ, ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ધરણા કરી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું અને ખેડૂતો સાથે સંકળાયેલા ભાગ્યા અને ખેતમજૂરો માટે સરકાર તરફથી આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી સાથે ગ્રામ્ય મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક ગોહિલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને ભાવનગર તાલુકામાં માવઠાના લીધે ખૂબ જ મોટા પાયાનું નુકસાન થયું છે, અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગણી કરી છે કે, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે અને ખેડૂતો સાથે સંકળાયેલા ભાગ્યા અને ખેત મજૂરો માટે સરકાર તરફથી આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની કોગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી.