માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી છે મગફળીની મબલખ આવક
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાય
ખુલ્લા બજારની હરાજીમાં ઓછા ભાવો મળતા ખેડૂતો હતાશ
જાહેર હરાજીમાં ખોટ ખાઈને મગફળી વેચવાની મજબૂરી
ખેડૂતોની વેદનાઓ સરકાર સંભાળે તે હિતાવહ : ધરતીપુત્ર
અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. સરકાર દ્વારા ટેકાના સારા ભાવે મગફળી લેવામાં આવે છે, ત્યારે ખુલ્લા બજારની હરાજીમાં ઓછા ભાવો મળતા ખેડૂતો પારાવાર પરેશાન થઈ રહ્યા છે.
અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ઉમટી રહ્યા છે, જ્યાં આખું યાર્ડ મગફળીથી છલકાઈ ગયું હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે, જ્યારે ખેડૂતોને ટેકાના ભાવે 1452 જેવા ભાવ સરકારે રાખ્યા છે, જ્યારે ખુલ્લા બજારની જાહેર હરરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ન હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે. જાહેર હરાજીમાં માત્ર 800થી લઈને માંડ 1 હજાર રૂપિયા સુધીના મગફળીના ભાવો મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. મોંઘા દાટ ખાતર, બિયારણ બાદ પણ 4 મહિનાની કાળી મહેનતની મજૂરી કરીને પકવેલા મગફળીના પાકના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો હતાશ થઈ ગયા છે.
એક તરફ સરકાર ખેડૂતોના પોષણશમ ભાવો મળે તે માટે ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે. પણ ખુલ્લા બજારમાં જાહેર હરરાજીમાં ટેકાના ભાવ કરતા 500થી 600 જેવા નીચા ભાવો મગફળીના મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે ખેડૂતો નિશાશા નાખી રહ્યા છે. ટેકાના ભાવે 1452 જેવી મગફળી વેચાઈ છે, પણ કમોસમી વરસાદે ખેડૂતોની મગફળી બગાડી નાખી હોવાથી યાર્ડની જાહેર હરાજીમાં ખેડૂતોને 500 આસપાસની ખોટ ખાઈને વેચવાની મજબૂરીથી ખેડૂત પીસાઈ રહ્યો છે, ત્યારે સરકાર ટેકાના ભાવની મગફળીમાં થોડો ફેરફાર કરીને ખેડૂતોની મગફળી વધુ ખરીદે અને નોમ્સ થોડા ઘટાડે તો ખેડૂતોને નુકશાની ન જાય તેવી વેદનાઓ સરકાર સંભાળે તે હિતાવહ છે.