ભાજપના પૂર્વ કોર્પોરેટરની સાયબર ફ્રોડમાં સંડોવણી
મ્યુલ એકાઉન્ટથી આચર્યું કૌભાંડ
મ્યુલ એકાઉન્ટનું ષડયંત્ર આવ્યું સામે
305 કરોડના ફ્રોડ કેસમાં ખુલી સંડોવણી
પોલીસે 9 શખ્સોની કરી ધરપકડ
જૂનાગઢમાંથી સાયબર ફ્રોડના મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. 305 કરોડના આ રેકેટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટની પણ સંડોવણી બહાર આવી છે,અને પોલીસે હાલ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટ સીઝ કરીને 9 શખ્સોની ધરપકડ કરી છે.
જૂનાગઢ A ડિવિઝન પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ વધુ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ઝડપી પાડ્યા છે. આ બેંક એકાઉન્ટમાં 9.43 કરોડના રૂપિયા જમા કરાવી સગેવગે કરવામાં આવ્યા હતા. આ મામલે જૂનાગઢ પોલીસે 19 શખ્સો સામે ફરિયાદ નોંધી 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે 10 શખ્સો પોલીસ પકડથી હજુ દૂર છે. પોલીસે આ ગુનામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે.આ કેસમાં સંડોવાયેલા પૂર્વ ભાજપ કોર્પોરેટર અસલમ કુરેશી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં કુલ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશભરમાંથી કુલ 192 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ કુલ 305 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ સાયબર ફ્રોડના રેકેટનું દુબઈ કનેક્શન પણ સામે આવ્યું છે.
પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં આ રેકેટનું દુબઈ કનેક્શન અને ઇન્ટરનેશનલ કાર્યપદ્ધતિ બહાર આવી છે. જૂનાગઢનો અલી મહંમદ ઠેબા નામનો શખ્સ પોતાના મળતીયાઓ મારફતે સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના રૂપિયા અલગ-અલગ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવતો હતો. આ 52 બેંક ખાતાઓમાં કુલ 9 કરોડ 43 લાખ 70 હજાર 335 રૂપિયા જમા કરાવીને તેને સગેવગે કરવામાં આવ્યા હતા. આ નાણાં ખાતાધારકો કે મળતીયાઓ દ્વારા ATM અથવા ચેકથી વિડ્રો કરી રોકડમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા.
પોલીસે દરોડા દરમિયાન 6 પાસબુક, 7 ચેકબુક અને મોંઘા મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. હાલમાં એ-ડિવિઝન પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને સંડોવાયેલા અન્ય એકાઉન્ટ ધારકોની શોધખોળ કરી રહી છે.