ગુજરાતે દેશને વધુ એક રાજયપાલ આપ્યાં છે. નવસારી જિલ્લાના ગણદેવીના પુર્વ ધારાસભ્ય અને રાજય સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી રહી ચુકેલાં મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના રાજયપાલ બનાવવામાં આવ્યાં છે.
દેશમાં કોરોનાની મહામારી, પેટ્રોલ- ડીઝલ અને રાંધણગેસમાં અસહય ભાવ વધારા વચ્ચે લોકો પીસાઇ રહયાં છે તેવામાં કેન્દ્ર સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઇ રહી છે. વિસ્તરણના થોડા દિવસો પહેલાં જ વિવિધ રાજયોના રાજયપાલોની બદલી અને વરણી કરવામાં આવી છે. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાસે ઉત્તરપ્રદેશની સાથે મધ્યપ્રદેશના રાજયપાલનો પણ ચાર્જ હતો. કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશના ગર્વનર તરીકે ગુજરાતના જ સિનિયર આગેવાન મંગુભાઇ પટેલની નિયુકતિ કરી છે.
હવે આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશનો સ્વતંત્ર પ્રભાર જાળવી રાખશે. આનંદીબેન પટેલ, વજુભાઇ વાળા પછી ગુજરાતે વધુ એક રાજયપાલ આપ્યાં છે. મધ્યપ્રદેશના નવા નિમાયેલા રાજયપાલ મંગુભાઇ પટેલ ગણદેવી વિધાનસભા બેઠક પરથી જીતતા આવ્યાં છે. તેઓ 1990થી 2008 સુધી ગુજરાતની વિધાનસભાના સભ્ય રહી ચુકયાં છે. આ ઉપરાંત ભાજપમાં પણ તેમણે વિવિધ હોદાઓ પર સેવાઓ આપી છે. રાજય સરકારમાં તેઓ વન અને પર્યાવરણ વિભાગના મંત્રી પણ રહી ચુકયાં છે. હવે તેઓ રાજયપાલ તરીકે નવી ભુમિકા ભજવશે.