Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : લમ્પી વાયરસ નિયંત્રણ કરવા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી, ૮ લાખથી વધુ પશુઓનું રસીકરણ શરૂ..

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 17 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે

X

ગુજરાતમાં પશુધનમાં પ્રસરેલા લમ્પી વાયરસ નિયંત્રણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલી કામગીરી અંગે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને રાજ્યના તમામ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પશુઓને સારવાર આપવાની કામગીરી ચાલી રહી હતી તેનો તાગ આપ્યો હતો.

રાજ્યમાં લમ્પી વાયરસના નિયંત્રણ માટે તંત્ર યુદ્ધસ્તરે કાર્યરત છે. હાલમાં રાજ્યમાં પશુપાલન વિભાગ દ્વારા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી પૂરજોશમાં થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 17 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત પશુઓને સત્વરે સારવાર પુરી પાડવા માટે પશુપાલન વિભાગ દ્વારા તબીબો સહિતની ટીમો તમામ જિલ્લાઓમાં કામગીરી કરી રહ્યા છે. રાજયના કુલ ૨૦ જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે.

જેમાં 1900થી વધુ ગામડાઓમાં 54 હજારથી વધુ રોગગ્રસ્ત પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર શ્રી નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની નિમણૂંક કરાઇ છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

અસરગ્રસ્ત જિલ્લાઓમાં વધુ સઘન સારવાર અને રસીકરણની કામગીરી થાય તે માટે રાજયની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત વધુ સભ્યો કામધેનું યુનિવર્સીટી દ્વારા કચ્છ જીલ્લામાં 175, જામનગર જિલ્લામાં 75 અને દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં 50 પ્રાધ્યાપકોને રસીકરણ કામગીરી પુરજોશમાં થાય તે માટે તૈનાત કરવામાં આવ્યા છે.રાજ્યમાં લમ્પીનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરીને રોજબરોજ સ્થિતિની સમીક્ષા કરી કામગીરી કરવામાં આવી રહી છે.

Next Story