લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.કોંગ્રેસના બે દિગગજ નેતા અર્જુન મોઢવાડીયા અને અંબરીશ ડેર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષ 2022માં પોરબંદરની બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતનાર અર્જુન મોઢવાડિયાએ 4 માર્ચ 2024, સોમવારનો રોજ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ હતુ.હવે આજે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસમાં તેમની કારકીર્દિ ખૂબ જ લાંબી રહી છે. તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતુ કે , મને ડરાવવામાં નથી આવ્યો અને હું ક્યારે કોઈનાથી ડર્યો નથી. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવતો હતો.