રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લીધાના અઢી મહિના બાદ વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીની પ્રથમવાર મુલાકાત લીધી હતી. તેમણે ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી અને વિવિધ પાસાઓની જાણકારી મેળવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં જઈને વિવિધ પ્રોજેક્ટના સંપૂર્ણ વિઝનનો ખ્યાલ મેળવવા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતાં.ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીની મુલાકાત દરમ્યાન પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટની અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.
તેમણે ગિફ્ટ સિટીના અદ્યતન યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યું હતું.થોડા સમય પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતની ગિફ્ટ સીટીમાં રૂ.469 કરોડના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સની બે અરજીઓને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી.નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સીતારામને આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુપરવાઇઝરી ટેક્નોલોજી ફંડ માટે રૂ.269.05 કરોડ અને હેડક્વાર્ટર બિલ્ડિંગ માટે રૂ.200 કરોડની ઔપચારિક મંજૂરીની જાહેરાત કરી હતી.જેમકે કેન્દ્રીય બજેટ 2021-22માં કહેવામાં આવ્યું છે.