Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણી જાહેર : 3 ઓકટોબરે ત્રણ પક્ષો વચ્ચે ખેલાશે જંગ

કોરોનાના કારણે ચુંટણીને રાખવામાં આવી હતી મોકુફ, 11 વોર્ડની 44 બેઠક માટે કરાવવામાં આવશે મતદાન.

X

રાજયના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીનું બ્યુગલ વાગી ચુકયું છે. તારીખ 3 ઓકટોબરના રોજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 2.92 લાખ જેટલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

રાજયમાં ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણી કોરોનાની મહામારીના કારણે મોકુફ રાખવામાં આવી હતી. રાજયના ચુંટણીપંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી તારીખ 3 ઓકટોબરના રોજ યોજવામાં આવશે. ગાંધીનગરમાં નવા વિસ્તારોનો સમાવેશ કરાયાં બાદ વોર્ડની સંખ્યા 11 થઇ છે. 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન કરાવવામાં આવશે. નવા સીમાંકન પછી કોર્પોરેશન વિસ્તારના 2.82 લાખ મતદારો નોંધાયા છે. જેમાં 1.37 લાખ સ્ત્રી, 1.45 લાખ પુરુષ અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાની ચુંટણીમાં મહત્વનો મુદ્દો કોરોનાની મહામારીનો જ રહેશે.

ચુંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ પેજ પ્રમુખ અને બુથ કમિટી થકી વિજયની રણનિતિ ઘડી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની આંતરિક લડાઈને બાજુ પર મૂકીને કોવિડ ન્યાય યાત્રા તેમજ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને આગળ વધી રહી છે. પરંતુ કોંગ્રેસ તેની આંતરિક લડાઈના કારણે ચૂંટણી જીત્યા પછી પણ હારનો સામનો કરી રહી છે. જેનું પુનરાવર્તન ન થાય તે દિશામાં જિલ્લા પ્રમુખ સૂર્ય સિંહ ડાભી તેમજ શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા ધ્વારા ખાસ ધ્યાન કેંદ્રિત કરવામાં આવી રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાની ચુંટણીમાં 27 બેઠકો મેળવ્યાં બાદ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. કોરોના મહામારી, કોર્પોરેશનનાં ભ્રષ્ટાચાર, પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી સહિતના સળગતા મુદ્દાને ધ્યાને રાખી આપ પાર્ટી શરૂઆતથી જ આક્રમક અને સક્રિય કામગીરી કરી રહી છે.કોરોના કાળમાં નગરજનોને પડેલી તકલીફોનાં કારણે પણ ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે.

એમાંય પ્રદેશ કક્ષાએથી વય મર્યાદાનું ગતકડું લાવીને ગાંધીનગરમાં ભાજપા માટે તેલ રેડનાર સિનિયર અને અનુભવી કાર્યકર્તાઓનાં પત્તા કાપી સાઈડ લાઈન કરી નાખવામાં આવ્યા છે. જેનાં કારણે પણ અંદરખાને સિનિયર નેતાઓમાં પણ રોષ છે. તેઓ પણ કોઈને કોઈ ભોગે ભાજપનાં ઉમેદવારોની કારમી હાર થાય તે દિશામાં સક્રિય થઈ ચૂક્યા છે. જેથી કોર્પોરેશનની આ ચૂંટણી પણ ભાજપા માટે શિર દર્દ સમાન બની ગઈ છે તેવી ચર્ચા ચાલી રહી છે..

Next Story