ગાંધીનગરના પેથાપુર પાસે આવેલાં સ્વામીનારાયણ મંદિર પાસેથી એક દોઢ વર્ષનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. સીસીટીવી ફુટેજની તપાસ દરમિયાન એક વ્યકતિ બાળકને મંદિર પાસે મુકીને જતો દેખાઇ રહયો છે......
નિસંતાન દંપતિઓ શેર માટીની ખોટ પુરવા માટે મંદિરો તથા મસ્જિદોના પગથિયા ઘસી નાંખતા હોય છે.. બાધાઓ અને આખડીઓ રાખી સંતાન પ્રાપ્તિ માટે ભગવાનને રીઝવતાં હોય છે પણ અમુક નિષ્ઠુર લોકો તેમના સંતાનોને ત્યજી દેતાં હોય છે. ધુલ કા ફુલ મળવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવી ચુકયાં છે પણ ગાંધીનગરના પેથાપુરમાં બનેલી એક ઘટનાએ સૌની પાંપણોને ભીંજવી નાંખી છે. પેથાપુર પાસે આવેલાં સ્વામીનારાયણ મંદિર ખાતે એક દોઢ વર્ષનું બાળક એકલવાયી હાલતમાં મળી આવ્યું હતું. માસુમ બાળકના માતા-પિતાની શોધખોળ કરવામાં આવી હતી પણ કોઇ મળી ન આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે મંદિરની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાઓની તપાસ કરતાં એક વ્યકતિ બાળકને મંદિર પાસે મુકીને જતો દેખાઇ રહયો છે. બાળકના વાલીવારસોને શોધવા માટે પોલીસની આઠ ટીમો કામે લાગી છે. જેમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો સમાવેશ કરાયો છે. બાળકના ફોટા સાથે પોલીસની ટીમો પેથાપુરની આસપાસના ગામડાઓ ખુંદી રહી છે. માસુમ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોય તેવી પ્રબળ સંભાવના છે અને બાળકને સલામતી સાથે ત્યજવા માટે સ્વામીનારાયણ મંદિર પર પસંદગી ઉતારવામાં આવી હોવાનું અનુમાન લગાવાય રહયું છે.