ગીર સોમનાથ : સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના 5 દિવસીય મેળાનો કરાયો પ્રારંભ...

સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો કરાયો પ્રારંભ, 5 દિવસીય મેળા દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ગીર સોમનાથ : સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના 5 દિવસીય મેળાનો કરાયો પ્રારંભ...
New Update

ગીર સોમનાથ જીલ્લાના સોમનાથ ખાતે કોરોના મહામારીના કારણે કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન થઈ શક્યું ન હતું, ત્યારે હવે લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન 5 દિવસીય મેળાનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત તા. 3 નવેમ્બરના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ જીલ્લાના સોમનાથ ખાતે 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ મેળા દરમ્યાન મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમ્યાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. આ સાથે જ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ મંદિરમાં વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. આ વર્ષે પૂનમની તિથિ તા. 7 અને 8 નવેમ્બર બન્ને દિવસે હોય જેથી શ્રી સોમનાથ મંદિર આ બન્ને દિવસ રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

સોમનાથ જ્યોતિર્લિંગના આધ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે, અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે. ચંદ્રદેવ સોમનાથ મહાદેવનો ધ્વજ દંડ અને ત્રિશૂળ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ એક જ હરોળમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્મય છે. જેના કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે, ત્યારે મેળામાં આવનાર માનવ મેદનીને ધ્યાને રાખીને 2 વ્હીલર ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિરના મુખ્ય માર્ગને વન-વે કરવામાં આવ્યો છે. તેમજ ત્રિવેણી સંગમથી બાયપાસ તરફ જતો રોડ માત્ર વાહન એક્ઝિટ માટે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવાસદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

#Gujarat #Connect Gujarat #Gir Somnath #fair #Kartiki Purnima #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article