Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : મહારાષ્ટ્રની 6 બોટને કોસ્ટગાર્ડે આંતરી, ગેરકાયદે લાઈન ફિશિંગ થતું હોવાનો ઘટસ્ફોટ..!

ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાંથી ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની 6 બોટો ઝડપી પાડી છે.

X

ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાંથી ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની 6 બોટો ઝડપી પાડી છે. આ ઝડપાયેલી બોટમાં એક જ લાયસન્સ પર 2 ફિશિંગ બોટનો ઘટસ્ફોટ વેરાવળ બોટ એસોશિએસનએ કર્યો છે.

અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ફિશિંગની સાથે સમુદ્રી સુરક્ષાને લઈ મોટો ખતરો સર્જતી ઘટના સામે આવી છે. ગુજરાતના અને ખાસ કરીને ગીર સોમનાથ પોરબંદરના સમુદ્રમાં મહારાષ્ટ્રની ફિશિંગ બોટો દ્વારા ગેરકાયદે લાઈન ફિશિંગ કરવામાં આવતી હોવાની અનેકવાર ફરિયાદ ઉઠી છે. થોડા દિવસો પહેલા વેરાવળ બોટ એસોશિએસનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી ફરિયાદ કરી હતી, ત્યારે હરકતમાં આવેલ તંત્રએ ગીર સોમનાથના સમુદ્રમાં ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્ર અને રત્નગીરીની 6 જેટલી ફિશિંગ બોટને દરિયામાંથી ઝડપી પાડી છે. વેરાવળના સ્થાનિક માછીમારે જણાવ્યું હતું કે, દરિયામાં ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી પરપ્રાંતીય બોટને અટકાવવા જતાં અમારા સ્થાનિક માછીમારો પર હુમલા કરવામાં આવે છે.

ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝડપાયેલી ફિશિંગ બોટમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વેરાવળ બંદર પર લવાયેલા આ ફિશિંગ બોટમાં એક જ લાયસન્સ પર એકથી વધુ ફિશિંગ બોટ દરિયામાં ગેરકાયદે ચાલી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે. વેરાવળ માછીમાર બોટ એસોશિએસનના સેક્રેટરીએ આ કૌભાંડનો ખુલાસો કર્યો છે, અને સરકાર આ મામલે ઉંડી તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. વેરાવળ માછીમાર બોટ એસોશિએસનના સેક્રેટરી દિનેશ વધાવીએ જણાવ્યુ હતું કે, ગીર સોમનાથના સમુદ્રમાં 250થી 300 જેટલી ફિશિંગ બોટ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરી રહી છે. જેને અટકાવી ખૂબ જ જરૂરી છે.

Next Story