ઉનાના માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો
પાકિસ્તાનની જેલમાં થયું હતું મૃત્યુ
23 દિવસ બાદ વતન પહોંચ્યો મૃતદેહ
ચીખલી ગામ શોકમગ્ન બન્યું
પરિવારજનોનું હૃદયવિદારક આક્રંદ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું,ત્યારે 23 દિવસે મૃતક ભગાભાઇ બાંભણીયાનો મૃતદેહ વતન પહોંચતા ગામ હિબકે ચઢ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બાંભણીયાનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું.અને તેઓનો મૃતદેહ અંતે વતન પહોંચતા સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું હતું.વર્ષોથી પરિવારની આંખોમાં અટવાયેલી રાહ આંસુઓમાં ફેરવાઈ ગઈ હતી. ફિશરીઝ વિભાગની જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિભાગની ટીમે વાઘા બોર્ડર પરથી મૃતદેહનો કબજો લઈ ચીખલી ગામ સુધી પહોંચાડ્યો હતો.
મૃતદેહ ગામમાં પહોંચતા જ હૃદયવિદારક દ્રશ્યો સર્જાયા હતા.પરિવારજનોના આક્રંદથી આખું ગામ હિબકે ચડી ગયું હતું. માતા, પત્ની અને સંતાનોના વિલાપે હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. લાંબા સમયથી આશાનો દીવો પ્રગટાવનાર પરિવારને હવે શાશ્વત વિયોગનો સામનો કરવો પડ્યો છે.
ફિશરીઝ વિભાગના અધિકારીઓએ ભારત સરકાર તથા સંબંધિત એજન્સીઓ સાથે સંકલન સાધી મૃતદેહ ભારત લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. વાઘા બોર્ડર પરથી મૃતદેહ સ્વિકારી યોગ્ય સુરક્ષા અને દસ્તાવેજી કાર્યવાહી બાદ ચીખલી ગામ લાવવામાં આવ્યો હતો. આ ઘટનાએ માત્ર ચીખલી ગામ જ નહીં પરંતુ સમગ્ર માછીમાર સમાજને શોકમાં મૂકી દીધો છે.