ગીર સોમનાથ : સારા વરસાદથી વેરાવળના ખેડૂતોમાં હરખની હેલી, ભીમ અગીયારસથી કર્યો વાવણીનો શુભારંભ

રાજ્યભરમાં સારો અને વાવણી લાયક વરસ્યો વરસાદ, ભીમ અગીયારસના મુહૂર્ત સાથે ખેડૂતોમાં હરખની હેલી.

New Update
ગીર સોમનાથ : સારા વરસાદથી વેરાવળના ખેડૂતોમાં હરખની હેલી, ભીમ અગીયારસથી કર્યો વાવણીનો શુભારંભ

રાજ્યભરમાં સારા અને વાવણી લાયક વરસાદના પગલે જગતના તાત એવા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે, ત્યારે ભીમ અગીયારસના વાવણીના મુહૂર્ત સચવાતા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી હતી. ખેડૂતોએ પરંપરા મુજબ બળદોને સાજ શણગાર સજ્યા તો કુવારીકાઓના હસ્તે કુમકુમ તિલક અને ધરતી માતાને શ્રીફળ-નૈવધ ધરાવી વાવણીનો શુભારંભ કર્યો હતો.

વેરાવળ સહીતના પંથકમાં સારા અને વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને વર્ષો બાદ ભીમ અગિયારસના વાવણીના મુહૂર્ત સચવાતા ખેડ્રતોમાં હરખની હેલી સર્જાઇ હતી. આંબલીયાળા ગામના ખેડૂત જગમાલ ઝાલાના પરિવાર દ્વારા ભીમ અગિયારસના વાવણીના મુહૂર્તને લઇ પરંપરા મુજબ બળદોને સાજ શણગાર કરી કુવારીકાઓના હસ્તે ધરતી માતાને શ્રીફળ સહીતના નૈવેધ ધરાવી વાવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

હિન્દુ શાસ્ત્રો મુજબ ભીમ અગિયારની વાવણી શ્રેષ્ઠ ગણાય છે, ત્યારે પાછલા વર્ષોમાં મોટા ભાગે ભીમ અગીયારશમાં વરસાદ નહીવત વરસતો હતો. જેથી ખેડૂતો આ મુહૂર્ત સાચવી શકતા ન હતા, ત્યારે વડ સાવિત્રીના પવિત્ર દિવસોની સાથે ભીમ અગીયારસના વાવણીના મુહૂર્ત સચવાતા ખેડૂતોમાં ખુશાલીનો કોઇ પાર રહ્યો નથી. જોકે, એક તરફ વર્ષો બાદ ભીમ અગીયારશના વાવણીના મુહૂર્ત સચવાતા ખેડૂતો ખુશખુશાલ થયા છે, તો સાથોસાથ બીયારણ અને ખાતરના ભાવ પણ સાતમા આસમાને ચઢી જતાં ખેડૂતો થોડા ચીંતીત પણ બન્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વાવણી સમયે બિયારણ અને ખાતરના ભાવો ઉંચા હોય છે, અને જ્યારે ઉપજ આવે ત્યારે ભાવ તળીયે ચાલ્યા જાય છે. માટે જેમ કુદરત ખેડૂતો પર રિઝાય છે, તેમ સરકાર પણ ધરતીપુત્રો સામે ધ્યાન આપે તેવી ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

Latest Stories