Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : પથ્થર દિલ વ્યક્તિનું હૃદય પીગળાવી નાખે તેવી ઘટના, પ્લાસ્ટિકની થેલીમાંથી 7 દિવસનું જીવિત બાળક મળ્યું

વેરાવળ નજીક ડારી ગામ નજીકથી પ્લાસ્ટિકની થેલીમાં કુમળા ફૂલ જેવું 7 દિવસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું.

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામ નજીકથી પ્લાસ્ટિકની થેલીમાં કુમળા ફૂલ જેવું 7 દિવસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. આ દ્રશ્યો જોઈને સમાજમાં આજે પણ દાનવો જીવે છે, તેવા વિચાર સાથે લોકોએ નિષ્ઠુર જનેતા સામે ફિટકાર વરસાવ્યો હતો.

ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ડારી ગામ નજીક રાત્રિના સમયે નિર્જન રસ્તા પરથી પસાર થઈ રહેલા જાવેદ શામદાર અને તેમના મિત્રોને ઝાડીઓમાંથી ધીમો એવો અવાજ આવે છે. યુવાનો આ અવાજ શેનો છે, તે જોવા જાય છે અને જે દ્રશ્ય જુએ છે તે જોઈ પથ્થર દિલ વ્યક્તિનું પણ હૃદય પીગળાવી નાખે તેવું હોય છે. સિમેન્ટ અને રેતી ભરવાના થેલામાં અને તેમાં પણ પ્લાસ્ટિકની થેલીમાં પુરાયેલું હતું એક ખૂબ નાનું કુમળા ફૂલ જેવુ બાળક. માત્ર 7 દિવસના બાળકના શરીર ઉપર ચોંટેલું કાદવ કીચડ, શરીરે ઘાના નિશાન અને બાળકનો દબાયેલો શ્વાસ જોવા મળ્યો હતો. મૃત્યુ તરફ ધક્કો મારતી આ તમામ પરિસ્થિતિમાં સાતેક દિવસનું બાળક જાણે મૃત્યુ સામે જંગે ચડ્યું હતું. જોકે, બાળકને જાણે કોઈક મદદ કરવા માંગતું હોય અને તેને ત્યાંથી પસાર થતા ડારી ગામના લોકોનો સાથ મળ્યો હતો.

ડારી ગામ લોકોએ સોમનાથ મરીન પોલીસ અને આરોગ્ય વિભાગને બનાવની જાણ કરી હતી, ત્યારે 108 ઈમરજન્સી સેવા સહિત પોલીસ કાફલો વાયુવેગે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને વધુ સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં બાળકને સૌપ્રથમ સાફ કરીને તેની ઈજાઓને બિનજ્વલનશીલ એન્ટી સેપ્ટિકથી સાફ કરવામાં આવી હતી. બાળકનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી ઝડપભેર તેને ઓક્સિજન આપવામાં આવ્યો. તપાસ કરતા તબીબને ખ્યાલ આવ્યો કે, બાળકને જન્મ સમયે જ કમળો હશે, અને તેની ઉંમર 7 કે 8 દિવસ હશે. બાળકને કમળાની સારવાર માટે જરૂરી ઇન્જેકશન અને દવાઓ આપવાથી સ્થિતિમાં ઘણો સુધાર જોવા મળ્યો હતો. જોકે, જન્મથી જ મૃત્યુની સામે કલાકોથી જંગે ચઢેલા બાળકનો જીવન અને મરણના યુદ્ધમાં વિજય થયો છે.

Next Story