ગીર સોમનાથ : આગોતરી વાવણીમાં પાછોતરા વરસાદે મગફળીના પાકનો દાટ વાળ્યો, સુડી વચ્ચે સોપારી જેવી ખેડૂતોની હાલત

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોએ મગફળીની આગોતરી વાવણી કરી હતી.

New Update
ગીર સોમનાથ : આગોતરી વાવણીમાં પાછોતરા વરસાદે મગફળીના પાકનો દાટ વાળ્યો, સુડી વચ્ચે સોપારી જેવી ખેડૂતોની હાલત

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોએ મગફળીની આગોતરી વાવણી કરી હતી, તે મગફળીમાં પાછોતરા વરસાદના કારણે નુકશાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના તમામ તાલુકાના ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરમાં લણવા તૈયાર કરાયેલા મગફળીના પાથરા હાલ પાણીમાં તરી રહ્યા છે. વરસાદ બાદ જે ખેડૂતોએ આગોતરી મગફળી વાવી હતી, તે મગફળી હાલ પાકી ગઈ હોવા ઉપરાંત 10 દિવસથી વધુ દિવસ વીતી ગયા છે. જો ખેડૂતો મગફળી ન કાઢે તો સડવા લાગે છે. એટલું જ નહીં મગફળીમાં તો હવે રાત્રડ નામનો રોગ પણ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

ગીરના ખેડૂતોએ મગફળી ઉપાડી ખેતરમાં જ તેના પાથરા કર્યા હતા. જોકે, ત્યાં જ ફરી વરસાદ ખાબકતા ખેડૂતોના હાથમાંથી મગફળીનો પાક તો ગયો છે. સાથે જ પશુઓ માટેનો ઘાસચારો પણ હાથ લાગ્યો નથી. સમગ્ર ગીર વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું આગોતરૂ વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, તેને સમયસર લણવામાં ન આવે તો ખેડૂતોના હાથમાં કશું ન બચે, અને જો બહાર કાઢે તો વરસાદ બરબાદ કરી નાખે તેવી પરિસ્થિતી સર્જાય છે. હાલ ખેડૂતોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે, ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતો યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Latest Stories