Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: તાંત્રિક વિધિના નામે સગા પિતાએ 14 વર્ષની માસુમ બાળકીની હત્યા કરતા, ચકચાર, બાળકીના શરીરમાં જીવડા જોતા કરી નાખ્યા અંતિમ સંસ્કાર

ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરીની ચકચારી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

ગીર સોમનાથ: તાંત્રિક વિધિના નામે સગા પિતાએ 14 વર્ષની માસુમ બાળકીની હત્યા કરતા, ચકચાર, બાળકીના શરીરમાં જીવડા જોતા કરી નાખ્યા અંતિમ સંસ્કાર
X

ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરીની ચકચારી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. એમાં દીકરી ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં તેના પર સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધિ કરી અમાનુષી અત્યાચાર ગુજારીને તેના પિતા અને મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની હચમચાવી હકીકતનો ઘટસ્ફોટ થયો છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ઘાવા ગીર ગામે સુખી સંપન્ન પરિવારની 14 વર્ષીય માસૂમ દીકરીને વળગાડ હોવાની શંકાએ તેના પિતા અને મોટા બાપુજીએ તાંત્રિક વિધિના રવાડે ચડી અમાનુષી અત્યાચાર કરી તેની હત્યા નિપજાવ્યાની હચમચાવતી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કામકાજ અર્થે ભાવેશભાઈ અકબરી પત્ની અને 14 વર્ષીય કિશોરી ધૈર્યા સાથે સુરત રહેતા હતા અને તેમને વતન ઘાવા ગીર ગામમાં 20 વીઘા પરિવારની ખેતીની જમીન પણ હતી. થોડા મહિના પહેલાં તેઓ તેમની દીકરી ધૈર્યાને અભ્યાસ અર્થે ઘાવા ગામ નજીકની શાળામાં એડમિશન કરાવી તેના મોટા ભાઈ સાથે રહેવા મૂકી ગયા હતા. બાદમાં ચારેક દિવસ પૂર્વે તા.8 ના ઘાવા ગામથી ભાવેશના મોટા ભાઈ દિલીપભાઈ અકબરીએ ટેલિફોનિક વાતચીત વડે દીકરીના નાના વાલજીભાઈ ડોબરિયાને માસૂમ ધૈર્યાનું ચેપીરોગના કારણે મૃત્યુ થયાની જાણ કરી હતી. જેથી તેઓ પરિવારજનો સાથે ઘાવા ગામે પહોંચેલા, ત્યારે જાણવા મળ્યું કે સુરત રહેતી માસૂમની માતા કપિલાબેનની પણ રાહ જોયા વગર તેમની દોહિત્રી ધૈર્યાના અગ્નિસંસ્કાર પણ તેના પિતાએ ઘરમેળે કરી નાખ્યા હતા. ત્યારબાદમાં સાંજે તેમની પુત્રી સુરતથી આવતાં તેને મળીને તેઓ પરત નીકળી ગયા હતા. દીકરીના મૃત્યુની જણાવાયેલી વિગતોથી કંઈ અઘટિત થયાની શંકા વાલજીભાઈ ડોબરિયા અને તેમના પરિવારજનોને લાગતી હતી. દરમિયાન ગઈકાલે વાલજીભાઈ ઘાવા ગામ જતાં ત્યાં વાતોવાતમાંથી જાણવા મળેલું કે તેમની દોહીત્રી ધૈર્યાનું મૃત્યુ બીમારી નહીં, પરંતુ તાંત્રિક વિધિના બહાને તેમના જમાઈ ભાવેશ અને તેના ભાઈ દિલીપે તેની જ વાડીમાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે એ અંગે વાલજીભાઈએ જમાઈના મોટા ભાઈ દિલીપભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, 14 વર્ષીય ધૈર્યાને વળગાડ હોવાથી તેના ભાઈ ભાવેશના કહેવાથી ધૈર્યાનાં જૂનાં કપડાં સાથે વળગાડ કાઢવા માટે તા.1-10-22ના રોજ બપોરના ત્રણેક વાગ્યે અમારી વાડીએ લઈ ગયા હતા. વાડીમાં ભાવેશે વળગાડ કાઢવા માટે ધૈર્યાનાં કપડાં તથા અન્ય સામાનને વાડીના મકાનની સામે રહેલા પથ્થર પર સળગાવ્યા હતા. બાદમાં બે કલાક સુધી આ આગ પાસે માસૂમ ધૈર્યાને નજીક ઊભી રાખી હતી. જેને કારણે માસૂમ દીકરીના પગમાં તથા હાથમાં ફોડલા પડવા લાગતાં રાડો પાડવા લાગી હતી. ત્યારે માસૂમને ધમકાવી શાંત કરી હતી. બાદમાં એ જ દિવસે આખી રાત વળગાડ કાઢવા માટેની વિધિ કરી હતી. બાદમાં બન્ને ભાઈઓ ફરી જોવા ગયા એ સમયે માસૂમ ધૈર્યા મરણ પામેલી હાલતમાં જોવા મળી અને તેના શરીરમાં જીવાત પડી ગયેલી હતી, આથી માસૂમ ધૈર્યાના મૃત્યુની કોઈને જાણ ન થાય એ માટે લાશને પ્લાસ્ટિકની કોથળી, કાપડાના બ્લેન્કેટ તથા ગોદડામાં વીંટીને અંતિમવિધિ કરવાનું નકકી કર્યું હતું. તેમના કુટુંબીજનોને માસૂમ ધૈર્યાનું મૃત્યુ ચેપી રોગના કારણે થયું હોવાનું કહ્યું હતું. બાદમાં મોડી રાત્રિના ત્રણેક વાગ્યે સફેદ કલરની તેમની કારની ડેકીમાં માસૂમ ધૈર્યાની લાશ લઈને ગામના સ્મશાને લઈ જઈ અંતિમવિધિ કરી નાખી હતી. જોકે માસૂમ ધૈર્યાના મૃત્યુ અંગે બન્ને ભાઈઓએ જણાવેલી થિયરી કુટુંબીજનો સાથે ગ્રામજનોને ગળે ઊતરતી ન હતી અને પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટનાની વિગતો બહાર આવી હતી

Next Story