પવિત્ર શ્રાવણ માસનો દ્વિતીય સોમવાર
સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ
વહેલી સવારથી જ ભાવિકોની લાગી કતારો
સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું
ભજન,ભક્તિ અને ભોજનનો રચાયો ત્રિવેણી સંગમ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.શ્રાવણના બીજા સોમવારે મહાદેવના સાનિધ્યમાં ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન અવસરમાં શિવભક્તો તરબોળ બન્યા હતા.
પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર એટલે શિવભક્તો માટે એક અનોખી આસ્થાનો દિવસ. આજે વહેલી સવારથી જ ગુજરાતભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિરોનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે.પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી છે છે.શ્રાવણના આ પવિત્ર દિવસે ભક્તો શિવલિંગ પર જળાભિષેક, દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે.
સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો માટે માત્ર પૂજા-અર્ચના જ નહીં, પરંતુ એક ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો છે. ઘણા ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે. શ્રાવણના બીજા સોમવારે મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે.સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભજન,ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ સમાન માહોલ છવાઈ ગયો છે.
આ ઉપરાંત શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા પણ નીકળી હતી.ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.