ભાવનગર જિલ્લાના તળાજાના મહામંડલેશ્વર રમજુ બાપુની પ્રેરણાથી યુવાનોએ વીરગતિ પામેલા રક્ષકો અને અશ્વોને અનોખી શ્રધાંજલિ અર્પણ કરવા હેતુસર તળાજાથી 9 અશ્વો સાથે શિવભક્તો સોમનાથ ખાતે પહોચ્યા હતા, જ્યાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવેલા અશ્વોનું અશ્વપૂજન કરવામાં આવ્યું હતું.
ભાવનગરના તળાજાથી 9 અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું. ભાવનગરના લાઠીના વીર હમીરજી ગોહિલે સોમનાથની રક્ષા કરવા પોતાના પ્રાણની આહુતિ આપી હતી, ત્યારે આજની યુવા પેઢી વીર હમીરજીના સાહસ અને શિવભક્તિથી પ્રેરણા લે તેવા ઉમદા વિચાર સાથે તળાજાના મહામંડલેશ્વર રમજુ બાપુના આહવાન સાથે આ અશ્વ યાત્રા સોમનાથ પહોંચી હતી.
અશ્વ સનાતન ધર્મમાં અને આપણા શાસ્ત્રોમાં વિશેષ સ્થાન ધરાવે છે. વેદોની રક્ષા માટે ભગવાન વિષ્ણુ દ્વારા હયગ્રિવ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને શાસ્ત્રોમાં વિષ્ણુ ભગવાનના અશ્વ મુખ વાળા હયગ્રિવ સ્વરૂપને વેદો અને સંસ્કૃતિના રક્ષક તરીકે ઓળખવામાં આવ્યા છે. ત્યારે અશ્વ સનાતન સંસ્કૃતિમાં પવિત્ર સ્થાન ધરાવતા હોય શાસ્ત્રોમાં તેના પૂજનનો ઉલ્લેખ છે. અશ્વ યાત્રા સોમનાથ આવી હતી અને વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ સોમનાથ મંદિર પરિસરમાં સન્મુખ અશ્વ સવારો અને અશ્વો દ્વારા નમન કરવામાં આવ્યા હતા.
સોમનાથ મંદિર પરિસરમાં રહેલ વીર હમીરજીના સ્મારક ખાતે પુષ્પ અર્પણ કરી ભાવનગરથી આવેલ સમગ્ર સમૂહ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા ભાવનગરથી સોમનાથ લાંબો પંથ કાપીને આવેલા આશ્વોનું પૂજન કરવામાં આવ્યું હતું. અશ્વ સાથે આવડી યાત્રા કરીને સંસ્કૃતિ રક્ષણ માટે આવેલા આ સમૂહને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રેમ પૂર્ણ આતિથ્ય પૂરું પાડવામાં આવ્યું હતું.