/connect-gujarat/media/post_banners/2142dd428d14622b0d5c572b37726b74227acef57f5bd902c21879c3a905ef4b.jpg)
સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. હાલ અનેક ગામડાઓના ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના વિવિધ પાકોનું વાવેતર શરૂ કર્યું છે. તો હજુ કેટલીક જગ્યાએ વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો વરસાદની વાટ જોઈને બેઠા છે.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ વરસતા 250 જેટલા ગામડાઓના ખેડૂતો વાવણીના કાર્યમાં જોતરાયા છે. જોકે, હજુ રાજ્યના કેટલાક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ વરસ્યો ન હોવાથી ખેડૂતો વાવણી માટેની રાહ જોઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં ચોમાસુ વાવેતર 5.55 લાખ હેક્ટરમાં થતું આવ્યું છે, ત્યારે હાલ ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના વિવિધ પાકોનું વાવેતર શરૂ કર્યું છે.
અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ ચોમાસુ વાવેતર કરી દીધું છે, જ્યારે અમુક ખેડૂતોએ ભર ઉનાળે ખાબકેલા વરસાદ બાદ વાવણી કરી હતી. એવા ગામડાઓમાં વાવેતર કરેલ બિયારણ સામે પણ ખતરો ઉભો થયો છે. હાલ 1.52 લાખ હેક્ટરમાં કપાસની વાવણી પૂર્ણ થઈ છે. તો હજુ 300 જેટલા ગામડાઓમાં વાવણી લાયક વરસાદ વરસ્યો ન હોય તેવા ખેડૂતો પોતાના ચોમાસુ પાકનું વાવેતર કરશે, જ્યારે અગાઉ વાવેતર કરેલા ખેડૂતો વરસાદ ન થવાથી હતાશ થઈ ગયા છે.