Connect Gujarat
ગુજરાત

ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં મેઘ તાંડવ, ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયુ

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. આજે સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

X

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. મંગળવારે રાજ્યના 125થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયા બાદ આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને વહેલી સવારથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે.

જૂનાગઢના માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પોણા બાર ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને અમરેલીથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમો રવાના કરાઇ છે. સુત્રાપાડા અને પ્રાચીમાં અનાધાર વરસાદને કારણે પ્રાચી ખાતે આવેલી સરસ્વતી નદી ગાંડીતૂર બની છે.

સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર સુત્રાપાડા તાલુકામાં હવે ભયજનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક પછી એક તમામ ગામો બેટમાં ફેરવાઈ રહ્યા છે. સતત વરસાદ અને નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ગીર સોમનાથ જિલ્લાનો સુત્રાપાડા અને વેરાવળ તાલુકા જળમગ્ન બન્યા છે.

Next Story