/connect-gujarat/media/post_banners/b3aa07f2faad06b8b1fbc6a982a4da4caa6f009d92fd69e9da143fa038c4b314.jpg)
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રી ઘટાડો નોંધાતા ઠંડકનો અનુભવ થયો હતો, ત્યારે ગુરુવારના રોજ કચ્છ, મહેસાણા, પાટણ સહિત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. શિયાળુ પાકમાં નુકશાન જવાની ભીતિ સાથે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.
સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સાથે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતાં ગત બુધવારે સમગ્ર ઉત્તરથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે 48 કલાક વાદળછાયુ વાતાવરણ રહેવાની સાથે જ છૂટોછવાયો હળવો કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી, ત્યારે ગુરુવારની વહેલી સવારે મહેસાણામાં ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. બહુચરાજી, ઉંઝા સહિત અનેક તાલુકામાં કમોસમી માવઠું પડ્યું હતું. ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો સાથે જ શિયાળુ પાકમાં પણ નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.
કચ્છ જિલ્લાની વાત કરીએ તો, ભુજના તાલુકામાં પણ કમોસમી વરસાદે રંગત જમાવી હતી. લોરીયા વિસ્તારમાં વરસાદી ઝાપટાના કારણે ખેતીને નુકશાન ભીતી સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પૂર્વ કચ્છના રાપર તાલુકાના બાલાસર, મોવાણા સહોત બેલા વિસ્તારમાં વરસાદી ઝાપટા બાદ અનેક જગ્યાએ પાણી વહી નીકળ્યા હતા. જોકે, હવામાન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં હજી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાટણ જીલ્લામાં પણ પલટો આવતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. સમગ્ર જિલ્લા સહિત પાટણ, સરસ્વતી, સમી સને સાંતલપુર સહિતના વિવિધ વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું હતું. જોકે, કમોસમી માવઠાથી ધરતીપુત્રો ચિંતા મુકાયા છે. તો સાથે જ ઉભા પાકને પણ નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે. પરંતુ કમોસમી માવઠું વરસતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 2 દિવસ તા. 18 અને 19 નવેમ્બરના રોજ રાજ્યમાં હળવા વરસાદની વકી દર્શાવાય હતી. અમદાવાદ શહેર તથા જિલ્લામાં પણ બુધવારની સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છૂટો છવાયો હળવો કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે, ખેડૂતોએ પોતાની ખરીફ જણસો અગામી ત્રણેક દિવસ દરમ્યાન સાચવીને રાખવી અને શક્ય હોય તો વેચાણ માટે બજારમાં લઇ ન આવવા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરાઇ છે.