રાજ્યમાં માવઠાનું ઘેરાતું સંકટ
4 દિવસ હજુ વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયું ડિપ્રેશન
ઋતુચક્રમાં આવ્યો ફેરફાર
ભારે પવન ફૂંકાવાની શક્યતા
ગુજરાતમાં હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે ઋતુચક્રમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ 300 કિમી દૂર છે. આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સમયાંતરે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી 4 દિવસ માવઠાની આગાહી કરી છે.
આગામી 24 કલાક દરમિયાન ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ અને બોટાદને ભારે વરસાદ માટે યલો એલર્ટ છે. ગુજરાતભરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી પડવા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.