/connect-gujarat/media/post_banners/f0823c48dc0bc24e4c8c665d440998ce433612c1e3e83177be3e4c28ea8d31fa.jpg)
તાજી હવા અને ચોખ્ખું પાણીએ સૌ કોઇની જરૂરીયાત છે. વસતીના વધારાની સાથે વિવિધ વસ્તુઓની માંગમાં વધારો થયો અને નવા નવા ઉદ્યોગો આવતાં ગયા અને સાથે સાથે પ્રદુષણની વિકટ સમસ્યા ઉભી થઇ છે. જળ,જમીન અને વાયુ દુષિત થઇ ચુકયાં છે ત્યારે ધરાને વધુ પ્રદુષિત થતી રોકવા જીપીસીબીએ પોતાનું ત્રીજુ નેત્ર ઉઘાડયું છે...
ગુજરાત રાજયમાં નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ ધમધમી રહી છે. કંપનીઓના આવવાથી રોજગારી તો પ્રાપ્ત થઇ છે પણ સામે પ્રદુષણની ભેટ પણ લોકોને મળી છે. આજે ગુજરાત જ નહિ સમગ્ર વિશ્વ પ્રદુષણની સમસ્યાનો સામનો કરી રહયાં છે. નદી હોય કે પછી ખાડી, દરિયો હોય કે પછી અખાત, પાણીના દરેક સ્ત્રોત આજે યેનકેન પ્રકારે પ્રદુષિત થઇ ચુકયાં છે. જળની સાથે આવી જ હાલત જમીન અને વાયુની પણ છે. આપણે રોજ રોજ હવાના પ્રદુષણ વિશે સાંભળતા જ આવ્યાં છીએ. પ્રદુષણના કારણે આપણે ચોખ્ખી હવાનો શ્વાસ લઇ શકતા નથી તો ચોખ્ખુ પાણી પણ પી શકતા નથી. પ્રદુષણને રોકવા માટે હવે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કડક કાર્યવાહી કરી રહયું છે..
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વર અને પાનોલીમાં હજારો ઉદ્યોગો આવેલાં છે. ઉદ્યોગોના કેમિકલયુકત પાણીના નિકાલ માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યાં છે અને અંકલેશ્વરમાં તો કેમિકલયુકત પાણીને ટ્રીટ કર્યા બાદ પાઇપ લાઇન મારફતે દરિયામાં છોડવાની પણ સુવિધા છે પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગો કેમિકલયુકત પાણી અથવા સોલીડ વેસ્ટનો ગમે ત્યાં નિકાલ કરી દેતાં હોય છે. અંકલેશ્વર તથા તેની આસપાસ આવેલાં ગામડાઓની નિર્જન જગ્યાઓને આવા ઉદ્યોગોએ ગેરકાયદેસર ડમ્પીંગ સાઇટ બનાવી દીધી છે. સોલીડ વેસ્ટનો ગમે ત્યાં નિકાલ કરાયો હોવાની ફરિયાદો અનેક ગામડાઓમાંથી ઉઠતી રહે છે. તાજેતરમાં જ વાલીયાના કોંઢ ગામ નજીકથી ગેરકાયદેસર ડમ્પીંગ સાઇટ સામે આવી છે. નદીના કોતર પાસેની વેરાન જગ્યાએ સોલીડ વેસ્ટની થેલીઓનો નિકાલ કરી દેવાયો છે. આના કારણે ખેડુતોની ફળદ્રુપ જમીનને નુકશાન થવાની સાથે ચોમાસામાં આ સોલીડ વેસ્ટ વરસાદી પાણી સાથે વહીને ખાડીના પાણીમાં ભળી જશે અને તેનાથી જળ પ્રદુષણ ફેલાશે.
અમદાવાદની સાબરમતી હોય કે પછી સુરતની તાપી, ભરૂચની નર્મદા હોય કે ખેડાની મહિ, વડોદરાની વિશ્વામિત્રી હોય કે પછી વલસાડની દમણગંગા.. આ તમામ નદીઓમાં કેમિકલવાળા પાણી પ્રવેશી ગયાં છે. નદીઓના પાણી દુષિત બની જવાના કારણે જીવ સૃષ્ટિને નુકશાન થઇ રહયું છે પણ નદીઓના પાણી પણ હવે પીવાલાયક રહયાં હતાં. જળ પ્રદુષણના કારણે ભુર્ગભ જળ પણ હવે તો રંગબેરંગી બની ગયાં છે. અમદાવાદના રીવરફ્રન્ટ નજીક તમને સાબરમતી નદી ભલે મનમોહક લાગતી હોય પણ અન્ય સ્થળોએ સાબરમતી નદી ગટર ગંગા બની ચુકી છે. કેમિકલયુકત પાણી સાબરમતી નદીને દુષિત કરી રહયાં છે. સાબરમતી નદીમાં કેમિકલ ઠાલવવામાં આવતું હોવાના લાઇવ દ્રશ્યો કનેકટ ગુજરાતના કેમેરામાં કેદ થયાં છે..
વટવા જીઆઇડીસીની. વટવા જીઆઇડીસીમાં પણ અનેક ઉદ્યોગો આવેલાં છે. વટવા જીઆઇડીસીમાં પણ કેમિકલ વેસ્ટના નિકાલનો પ્રશ્ન જોવા મળી રહયો છે. જીપીસીબીએ કેમિકલ તથા સોલીડ વેસ્ટનો ગમે ત્યાં નિકાલ કરી દેતાં બેજવાબદાર ઉદ્યોગો અને કેમિકલ માફીયાઓ સામે સકંજો કસ્યો છે. અમદાવાદના વટવા જીઆઇડીસી માં પણ એક સંદિગ્ધ ટેન્કર પસાર થતું હતું ત્યારે એક બાતમીના આધારે જીપીસીબી એ ટેન્કરની તપાસ કરી હતી અને કેમિકલના નમૂના લઇ પરીક્ષણ કરવા મોકલી આપ્યા છે પણ આ ટેન્કરની અંદર ભરેલ કેમિકલ જોખમી હોવાની શંકા જતા તેને વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે..
સુરતની સચિન જીઆઇડીસીમાંથી પસાર થતી ખાડીમાં દરરોજ હજારો લીટર કેમિકલ વેસ્ટ ઠલવાતું હશે પણ ગત સપ્તાહે કેમિકલના નિકાલ વેળા રાસાયણિક પ્રક્રીયા થતાં ઝેરી ગેસ ઉત્પન્ન થતાં છ શ્રમિકોના મોત થયાં હતાં અને 23થી વધારે શ્રમિકો ઘાયલ થયાં હતાં. સચિન જીઆઇડીસીમાં બનેલી ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં. આ કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનના તથા જીપીસીબીના કર્મચારીઓ પર ગાજ વરસી છે. સચિન જીઆઇડીસીમાં મુંબઇની કંપનીમાંથી કેમિકલ વેસ્ટને નિકાલ કરવા માટે લાવવામાં આવ્યું હતું. આ કેસની તપાસમાં કેમિકલ માફિયાઓની અનેક કરતુતો સામે આવી છે..
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે અનેક વખત સવાલો ઉભાં થતાં હોય છે. પ્રદુષણના મામલે દોષનો ટોપલો જીપીસીબી પર ઢોળી દેવામાં આવે છે. જીપીસીબીની નજર ચુકવી કેમિકલ માફીયાઓ ગમે ત્યાં વેસ્ટનો નિકાલ કરી દેતાં હોય છે. અંકલેશ્વર જીઆઇડીસીની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર જીઆઇડીસીમાં રાજયની અન્ય જીઆઇડીસીના બેજવાબદાર ઉદ્યોગો તેમના કેમિકલ વેસ્ટનો નિકાલ કરાવતાં હોય છે. હવે જીપીસીબી આવા બેજવાબદાર ઉદ્યોગો સામે ગાળિયો કસી રહી છે. પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો સામે જીપીસીબીએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સુરત, નવસારી, વટવા અને અંકલેશ્વર જીઆઇડીસીઓમાં સઘન તપાસ કરાય રહી છે. સુરતની મીંડોળા ખાડી નજીકથી ગેરકાયદે ભઠ્ઠી જયારે અંકલેશ્વરના કોંઢ પાસેથી ગેરકાયદે ડમ્પીંગ સાઇટ ઝડપી પાડવામાં આવી છે. જીપીસીબીએ ત્રીજુ નેત્ર ખોલતાની સાથે ઉદ્યોગકારોમાં દોડધામ મચી ગઇ છે..
ગુજરાતની ઔદ્યોગિક વસાહતોમાં ઉધઇની જેમ ફેલાયેલા કેમિકલ વેસ્ટના જાહેરમાં નિકાલના કૌભાંડને રોકવા માટે જીપીસીબીએ પણ કમર કસી છે. કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવાવાળાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારીઓ જીપીસીબીએ આદરી છે..