રાજયમાં મેઘ તાંડવ ફરી એકવાર જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતનાં નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 8 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં સવા છ ઇંચ ખાબક્યો છે. તો રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં નવસારી બેટમાં ફેરવાઇ ગયું છે.
નવસારી શહેર સહિત જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બનતા જનજીવન ઠપ થયું છે. શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. મોડી રાતે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો કીમતી સામાન મૂકીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર થયા છે.
નવસારી જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીની સપાટી માત્ર બે કલાકમાં 10 ફૂટ વધી 25.50 ફૂટ ઉપર વહેતી થઈ છે. તો પૂર્ણા નદી 21.50 ફૂટ ઉપર વહેતી થતા મોટું સંકટ વર્તાઇ રહ્યું છે. જ્યારે કાવેરી નદી પણ બે કાંઠે વહેતી થઈ 13 ફૂટ ઉપર પહોંચી છે.