ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે સંચાલક મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિશ્વશાંતિ માટે ગાંધી જીવન-દર્શન જન-જન સુધી પહોંચાડવા આજે અત્યંત જરૂરી છે.
રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે વિદ્યાપીઠની પ્રથમ મુલાકાત સમયે મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં સેવક તરીકે જોડાઈને સેવા કરવાનો અવસર મળવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકતાના સૂત્રથી બંધાઈને પરિવાર ભાવ સાથે મહાત્મા ગાંધીજીના ચિંતનને સાકાર કરવા સૌ સાથે મળીને શ્રેષ્ઠ પ્રયાસ કરીશું ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂક થયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ ગાંધી જીવન દર્શન પામવાનું અને શીખવાનું પરમ તીર્થ છે. તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિગત રૂપે તેઓ જીવનમાં બે મહાપુરુષોના પ્રભાવિત છે. એક મહર્ષિ દયાનંદ સરસ્વતી અને બીજા મહાત્મા ગાંધીજી, તેમણે ગુજરાતની પાવન ધરતી પર જન્મ લઈ વિશ્વકલ્યાણ માટે સ્વાર્પણ કર્યું હતું.