ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના વલસાડ અને ભાવનગરમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, અહીં અતિથી અતિ ભારે વરસાદની શક્યતા છે, ત્યારે વલસાડ, નવસારી અને વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે 39 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. શહેરી અને ગ્રામ્ય બન્ને વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખેરગામ, નવસારી, ચીખલી, વાંસદા અને જલાલપોર તાલુકાઓમાં વરસાદની હેલી જામી છે. બીલીમોરા શહેરમાં પણ ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાના બનાવ સામે આવ્યા છે, જે બીલીમોરા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીનો છેદ ઉડાવી રહ્યા છે. નવસારીના ખેરગામ તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.
તો બીજી તરફ, વડોદરા શહેર તથા જીલ્લામાં ગત મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આજ સવાર સુધી વરસ્યો હતો. જેના પગલે શહેરના અનેકવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પાણી ભરવાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વહેલી સવારે શાળાએ જતા બાળકોને પણ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. એક તરફ પાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ વરસાદમાં પાલિકાની કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. કેતાલ્ક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. જેના પગલે સ્થાનિકો પાલિકા તંત્ર ઉપર માછલા ધોઈ રહ્યા છે.
તો આ તરફ, સૌરાષ્ટ્રને છેલ્લા 3 દિવસથી મૂશળધાર વરસાદ ધમરોળી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં ગત શુક્રવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદ પડતાં અનેક કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતા. ભાવનગર ઉપરાંત અમરેલી અને જૂનાગઢ પંથકમાં આ વર્ષે અવિરત વરસાદને પરિણામે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.