અનરાધાર વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
મધુબન ડેમની જળ સપાટીમાં વધારો થતાં પાણી છોડાયું
વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા
વરસાદના કારણે 49 રસ્તા ઓવર ટોપિંગ થતા બંધ કરાયા
શાળા-કોલેજોમાં રજા જાહેર, NDRFની ટીમ તૈનાત કરાય
વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતાં વહીવટી તંત્રએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હતી. તો બીજી તરફ, કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. તો લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ, મધુબન ડેમમાં પાણીની ભારે આવક થતા ડેમમાંથી પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે.
જેને લઈને દમણ ગંગા નદીના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા કલેકટર અનુસૂયા ઝાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાત લીધી હતી, અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યા મુજબ જિલ્લાના કુલ 49 રસ્તાઓ ભારે વરસાદના કારણે ઓવર ટોપિંગ થતા બંધ થયા છે, અને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા NDRFની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.