સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળીધજા ડેમ એ જિલ્લાનો સૌથી મુખ્ય ડેમ ગણવામાં આવી રહ્યો છે. ત્યારે ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી નર્મદા કેનાલના નીરમાં ઝેરી દવાઓનો જથ્થો કોઇ ઠાલવી જતા રોષ જોવા મળ્યો છે. રાત્રી દરમિયાન ખેતી વપરાશમાં ઉપયોગમાં આવતી જંતુનાશક દવા પાણીમાં ભળી ગઈ હતી. જેથી રોગચાળો ફેલાવવાના ભય ઉભો થયો છે. આ ઘટનાને પગલે પ્રદુષણ વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા.
ધોળીધજા ડેમમાંથી ભાવનગર, બોટાદ અને આજુબાજુના ગામડાઓ તેમજ જિલ્લાઓમાં પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. ધોળીધજા ડેમ રિઝર્વ ડેમ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સતત બારે મહિના ધોળીધજા ડેમમાં નર્મદાની કેનાલ મારફતે પાણી ઠેલાવવાનું શરૂ રાખવામાં આવતું હોય છે. અને ત્યારબાદ ડેમમાંથી સિંચાઈ તેમજ સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવનગર વિસ્તારમાં પીવા તથા વાપરવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે.
સુરેન્દ્રનગર જિલ્લા ઉપરથી પસાર થઈ રહેલી દુધરેજ કેનાલમાં ગત રાત્રી દરમિયાન ઝેરી દવાનો પદાર્થ અજાણ્યા લોકો દ્વારા ફેંકી દેવામાં આવ્યો છે. જેને લઈને નર્મદાની કેનાલમાં આ ઝેરી દવાનો પદાર્થ ભળી ગયો છે અને ઝેરી દવા યુક્ત પાણી ડેમમાં પણ ઠાલવવામાં આવી રહ્યું છે. રાત્રિ દરમિયાન કપાસ અને પાકમાં છાંટવાની ઝેરી દવાની ભરેલી બોટલો નર્મદાની કેનાલમાં નાખી દેવામાં આવી છે. જેને પાણીનો કલર પણ બદલાઈ ગયો છે. આ પાણી ડેમમાં ઠાલવવામાં આવતું હોવાના કારણે ઝેરી પદાર્થ સાથેનું પાણી ધોળીધજા ડેમમાં ભળી ચૂક્યું છે. વહેલી સવારે સ્થાનિક લોકો દ્વારા આ મામલે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને જાણકારી આપવામાં આવી છે. તેમજ આ મામલે પ્રદૂષણ વિભાગનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે.