રાજયમાં વધી રહેલાં કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીએ નવી બસો ખરીદવા માટે મુકેલા પ્રસ્તાવને મંજુર કરાયો છે. જે અંતર્ગત રાજય સરકાર એક હજાર નવી બસોની ખરીદી કરશે. આ ઉપરાંત 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે.
સાથે સાથે 200 સ્લિપર કોચ બસો પણ ફાળવવામાં આવશે.મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યાને ઓછી કરવા માટે ઉભેણ પાસે 27 કરોડ રૂપિયાના ખર્ચથી નવો પુલ બનાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. જે એક તરફ દરિયા કિનારો અને બીજી તરફ હાઈવેના સ્વરૂપમાં હશે. આ કોસ્ટલ હાઇવે 2,440 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આખો રસ્તો બનશે એટલે હવે મુંબઈ અને સુરત જવા માટે 70-80 કિમીનું અંતર ઘટશે. કાળા તળાવ, આંબલી, ભાવનગર સીટી, ઘોઘા થઇને મહુવા સુધીની કોસ્ટલ હાઇવે મળશે.