Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં SGSTએ કર્યો 4 હજાર કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ...

ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરી છે.

ગુજરાતમાં SGSTએ કર્યો 4 હજાર કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ...
X

ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરી છે. વિગતો મુજબ આ અભિયાન અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગરમાં અંદાજિત 100થી વધુ પેઢીઓમાં તપાસ કરાઇ હતી. જોકે, આ પેઢીઓમાં તપાસ દરમિયાન અધધ.... 4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શન હાથ લાગ્યા છે. આ સાથે જ અનેક જગ્યાએ તપાસ દરમ્યાન પણ કેટલાક કૌભાંડીઓ નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

રાજ્યમાં બોગસ બિલિંગ કૌભાંડને લઈ હવે SGST વિભાગે પોલીસ સાથે મળીને અભિયાન હાથ ધર્યું છે. જેમાં અલગ-અલગ જગ્યાએ તપાસ દરમિયાન 4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. જોકે, અહી સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે, મોટાભાગના કૌભાંડી તત્વોએ નવી મોડસ ઓપરેન્ડી મુજબ આ કૌભાંડ આચર્યું હતું. કૌભાંડીઓ દ્વારા આધારકાર્ડ સેન્ટર પરથી જરૂરિયાતમંદ લોકોને આધારમાં મોબાઇલ નંબર બદલીને તેમના નામે પેઢીઓ ઊભી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 8 મહિનામાં 1500 આધાર મોબાઇલ નંબર બદલવામાં આવ્યા છે, અને તેના આધારે 470 GST રજિસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા. GSTની ટીમ અને પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન એક ચોંકાવનારી અને આશ્ચર્ય પમાડે તેવી વાત સામે આવી છે. આ કાર્યવાહી દરમિયાન હજી સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. તો વળી હવે વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, શંકાસ્પદોની ઓળખ થઈ છે, અને ટૂંક જ સમયમાં FIR દાખલ કરવામાં આવશે. આ વખતે કૌભાંડીઓને નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો. કૌભાંડીઓ સીધા આધારકાર્ડ સેન્ટર પરથી જ મોબાઇલ નંબર બદલી નાખ્યા હતા. જેથી જે તે માહિતી આવે તે કૌભાંડીના નંબર પર જ આવે. સુરત ખાતેની ચકાસણીમાં સંડોવાયેલાં વ્યક્તિના મોબાઈલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, જેવા ડુપ્લીકેટ દસ્તાવેજ એપીકે ફાઇલથી એન્ડ્રોઇડ એપ દ્વારા બનાવતા હોવાનું સામે આવ્યું હતું. ડમી નામે બનાવટી આઈડી બનાવી લોકોને દસ્તાવેજ લોન અપાવવાના બહાના હેઠળ મેળવતા હતા. આ તરફ જેમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ થયો તેમના સ્ટેટમેન્ટ લેવાતા ચોંકાવનારી વાત તો એ સામે આવી કે, કોઈને જાણ પણ નહોતી કે, તેમના આધારનો ઉપયોગ કરાયો છે.

Next Story