/connect-gujarat/media/post_banners/586860df57208aa80a1e2971b9c08289d60f6de2b51d0496e9c4af47431534f6.jpg)
ગુજરાત પોલીસના ગ્રેડ-પે આંદોલનનો સુખદ અંત આવ્યો
રૂ. 550 કરોડના ભંડોળને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી મળી
સુરત અને ભરૂચમાં પોલીસકર્મીઓએ કરી ભવ્ય ઉજવણી
ગુજરાતમાં હાલ સૌથી વધુ પોલીસ વિભાગમાં ગ્રેડ-પેનો મુદ્દો ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી ગ્રેડ-પેને લઈને માગણીઓ કરવામાં આવી રહી છે. પરંતુ તેને પૂર્ણ કરવામાં આવી ન હતી, ત્યારે અનેક તર્ક વિતર્ક વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોલીસ વિભાગ માટે રૂ. 550 કરોડના ભંડોળને મંજૂરી આપી હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે, ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશ્નર અજય તોમર સહિતના અધિકારીઓએ પોલીસ અને તેમના પરિવાર સાથે ગરબાના તાલે ઝૂમી ભવ્ય ઉજવણી કરી હતી.
તો બીજી તરફ, ભરૂચ ખાતે પણ રાજ્ય સરકારની પોલીસ વિભાગને મળેલી મોટી ભેટ બાદ જિલ્લાભરની પોલીસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગને રૂ. 550 કરોડના ભંડોળની મંજૂરી અપાતાં ભરૂચ પોલીસે રેલ્વે સ્ટેશન નજીક ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સહકર્મચારીઓનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, આ જાહેરાતના પગલે ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં આનંદની લાગણી સાથે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.