જામનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી.
જામનગર જિલ્લામાં મેઘમહેર થતાં જાહેર થયેલ રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટ તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ તમામ વિભાગોના અધિકારીઓ પાસેથી વરસાદી કામગીરી અંગેની વિગતો મેળવી હતી. મંત્રીએ તમામ તાલુકાઓમાં થયેલા કુલ વરસાદની માહિતી મેળવી, ડેમના દરવાજાઓ ખોલવાની સ્થિતિ ઊભી થાય તો જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું. ઉપરાંત વરસાદથી ધોવાયેલ રોડ-રસ્તાનું તત્કાલિક સમારકામ કરી પૂર્વવત્ કરવા, વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જરૂરી ટીમો તૈયાર કરવા, એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોની વ્યવસ્થા, તાલુકા વાર આશ્રયસ્થાનોની સ્થિતિ, ફૂડ પેકેટની વ્યવસ્થા, પાણી પુરવઠો તેમજ આવાગમનની વ્યવસ્થા વગેરેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર બેઠક દરમ્યાન જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન હર્ષાદીપ સુતરીયા, અધીક નિવાસી કલેકટર એમ.પી.પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, તમામ પ્રાંત અધિકારીઓ, અધિક્ષક ઇજનેર પી.જી.વી.સી.એલ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.