ગુજરાત સરકારના આદેશ અનુસાર જામનગરમાં કોમર્શિયલ અને રહેણાંક મકાનોમાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા આપાતકાલીન સમયમાં બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના આદેશ અનુસાર તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય કુમાર ખરાડી અને કે.કે.બિશનોઈના માર્ગદર્શન હેઠળ શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટ, સ્કૂલ-કોલેજો, ટ્યુશન ક્લાસીસ, હોટેલ અને આવાસ યોજના કે, જેમાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય તેવી તમામ કોમર્શિયલ બિલ્ડીંગો અને રહેઠાણોમાં ફાયર શાખાના સ્ટાફ દ્વારા ફાયર સેફટીના સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ ખાતે બિલ્ડીંગમાં લગાવેલા ફાયર સેફટીના સાધનો અંગેની તમામ માહિતી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપવામાં આવી હતી. ઉપરાંત ફાયરના સાધનો કેવી રીતે ઝડપથી ખોલીને તેનો ઉપયોગ કરવો તેનું પ્રેક્ટિકલ પણ બતાડવામાં આવ્યું હતું.