Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ખેતમજૂર પર 2 સિંહણો ત્રાટકી, ધક્કો મારી નાસી જતાં માંડ માંડ બચ્યો..!

ખેતમજૂર પર અચાનક 2 સિંહણે હુમલો કર્યો હતો. જોકે, ગળેથી પકડતાં યુવાન ધક્કો મારીને સિંહણના સકંજામાંથી છટકીને ભાગી છૂટ્યો

X

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે કપાસના ખેતરમાં કામ કરતા એક પરપ્રાંતીય ખેતમજૂર પર અચાનક 2 સિંહણે હુમલો કર્યો હતો. જોકે, ગળેથી પકડતાં યુવાન ધક્કો મારીને સિંહણના સકંજામાંથી છટકીને ભાગી છૂટ્યો હતો, ત્યારે યુવાન દોડીને ખેતરની ઓરડીમાં ઘુસી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર, વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે વજુ વઘાસિયાના ખેતરમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જબલપુરા ગામનો 25 વર્ષીય અશેષ મહિડા ખેત મજૂરી કરી પેટિયું રળે છે, ત્યારે ગત રવિવારે સાંજના સમયે અશેષ મહિડા અને અન્ય 2 મજૂરો કપાસ વીણવાનું કામ કરતા હતા. તે દરમ્યાન અચાનક જ 2 સિંહણ ત્યાં આવી ચઢી હતી. બન્ને સિંહણે અશેષ ઉપર હુમલો કરી તેને ગળાના ભાગેથી પકડ્યો હતો, ત્યારે આ દ્રશ્યો જોઇ તેની સાથેના 2 મજૂરો ત્યાથી નાસી છૂટ્યા હતા, જ્યારે અશેષે સિંહણને ધક્કો મારી સિંહણના સકંજામાંથી નીકળી ભાગી છૂટ્યો હતો. જોકે, સિંહણ પણ પાછળ દોડી અશેષને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અશેષે નજીકમાં જ આવેલી ખેતરની ઓરડીમાં ઘૂસી બારણું બંધ કરી પોતાની જાતને બચાવી લીધી હતી. બનાવની જાણ થતાં જ વાડી માલિક સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત ખેત મજૂરને બહાર કાઢી 108 મારફતે વિસાવદર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો. જોકે, માનવભક્ષી સિંહણને વહેલી તકે પાંજરે પુરવા માટે વન વિભાગે પણ કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story