પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢમાં શિવ સાંઈ ભક્ત દ્વારા અનોખી શિવપૂજા કરવામાં આવી રહી છે. ડો. અનુશ્રી શિવ-પાર્વતીજીનું રૂપ ધારણ કરી બાર શિવલિંગની પૂજા કરી રહી છે.
હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં શિવને પ્રસન્ન કરવા દરેક લોકો પોત-પોતાની રીતે ભોળા શિવની પૂજા કરતા હોય છે, ત્યારે જુનાગઢમાં શિવ સાંઈ ભક્ત ડો. અનુશ્રીની એક અનોખી શિવપૂજા જોવા મળી રહી છે. જે ખરેખર પાર્વતી બનીને બાર શિવલિંગ બનાવી તેમની પૂજા કરી રહી છે. ડો. અનુશ્રી સાંઈ મલ્લિકા દેવાધિદેવ પોતાના ઘર આંગણામાં માટીના બાર શિવલિંગ બનાવીને પતેશ્વર મહાદેવની પૂજા કરી રહી છે. એટલું જ નહીં, પાર્વતીના રૂપમાં શિવની મહાપૂજા અને રૂદ્રાભિષેક કરી રહી છે. અનુશ્રી સાંઈ મલ્લિકા પ્રાર્થના કરી રહી છે કે, શ્રાવણ મહિનામાં જ તમામ લોકોને ભગવાન શિવના આશીર્વાદ મળે. શિવમય બનીને તે શિવની ભક્તિ અને ઉપાસનામાં લીન થઈ જાય છે. ડો. અનુશ્રીનું આ અનોખું શિવ-પાર્વતિ જેવું સ્વરૂપ લોકોને ભક્તિમાં મગ્ન બનાવે છે.