જુનાગઢ : પ્રેમિકાને મળવા સુખપુર પહોચેલા ચોરવાડના યુવકને યુવતીના પિતાએ પતાવી દીધો..!

બેફામ માર માર્યા બાદ દાનસિંહ ડોડીયાએ કરણને ખરેડા ફાટક નજીક ફેંકી દીધો હતો.

New Update
જુનાગઢ : પ્રેમિકાને મળવા સુખપુર પહોચેલા ચોરવાડના યુવકને યુવતીના પિતાએ પતાવી દીધો..!

જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામનો યુવાન સુખપુર ગામની સીમમાં પ્રેમિકાને મળવા ગયો હતો, ત્યારે યુવતીના પિતાએ યુવકને લાકડાના ધોકા વડે બેફામ માર મારતા તેનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના ચોરવાડમાં રહેતા કરણ વાઢેર નામના યુવાનને સુખપુરની સીમમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. ગઈકાલ રાતે કરણ વાઢેર યુવતીને મળવા સુખપુરની સીમમા ગયો હતો, ત્યારે યુવતીના પિતા દાનસિંહ ડોડીયા ત્યાં યુવતી અને કરણ વાઢેરને જોઈ જતાં કરણને પકડીને લાકડાના ધોકાથી બેફામ માર માર્યો હતો. જેમાં તેને ગંભીર ઇજા થઇ હતી. બેફામ માર માર્યા બાદ દાનસિંહ ડોડીયાએ કરણને ખરેડા ફાટક નજીક ફેંકી દીધો હતો. કરણ વાઢેર ચાલી શકતો ન હોવાથી ઢસડાઈને રોડ સુધી પહોંચ્યો હતો. ત્યાં બેભાન હાલતમાં પડ્યો હતો.

વહેલી સવારે કરણને બેભાન હાલતમાં જોઈને ત્યાથી પસાર થતા રાહદારીએ કરણને પાણી છાંટતા તે ભાનમાં આવ્યો હતો, અને તેણે આપેલા નંબર પર અજાણ્યાં શખ્સે કરણના મામાને ફોન કર્યો હતો. તેમણે કરણને સા૨વા૨ અર્થે ચોરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો, જ્યાં તબીબે કરણ વાઢેરને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. મહત્વનું છે કે, દાનસિંહ કાના ડોડીયા વિરુદ્ધ પોલીસે હત્યાના ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી, ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યારા પિતાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.