સમગ્ર રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડી સાથે શિયાળાની ઋતુ શરૂ
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સુરક્ષામાં વધારો
પ્રાણી સહિત પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા પ્રયાસો કરાયા
પક્ષીઓને પવનથી રક્ષણ આપવા પાંજરામાં ગ્રીન નેટ લાગી
સરિસૃપોને ઠંડીથી રક્ષણ આપવા ઇલેક્ટ્રિક લેમ્પ-હીટર મુક્યા
ફૂલ ગુલાબી ઠંડી સાથે શિયાળાની ઋતુ શરૂ થતાં જ જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓની સુરક્ષા અને સલામતી માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્ય સહિત જુનાગઢ જીલ્લામાં હાલ શિયાળાની ઋતુને લઈ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કાતિલ ઠંડી સામે રક્ષણ મેળવવા લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા હોય, તેવામાં જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પણ પ્રાણી અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. સાથોસાથ પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, પક્ષીઓને ઠંડા પવનથી રક્ષણ આપવા પાંજરામાં ગ્રીન નેટ લગાડવામાં આવી છે. તેમજ સરિસૃપોને ઠંડીથી રક્ષણ આપવા ઇલેક્ટ્રિક લેમ્પ તેમજ હીટર પણ મુકવામાં આવ્યા છે.
આ તરફ, માંસાહારી પ્રાણી જેવા કે, સિંહ, વાઘ અને દીપડાને ઠંડીના કારણે ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ઠંડીથી રક્ષણ આપવા પાંજરામાં સૂકું ઘાસ પણ મુકવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગ દ્વારા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.