વંથલી તાલુકાના ટીકર ગામમાં ફરી વળ્યું શોકનું મોજુ
ઓઝત નદીમાં ડૂબતાં 3 યુવકોને આર્મી જવાને બચાવ્યા
ઓઝત નદીમાં ડૂબી જતાં આર્મી જવાને શહીદી વહોરી
લશ્કરી સન્માન સાથે શહીદ જવાનને અંતિમ વિદાય અપાય
કેબિનેટ મંત્રી, ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિ
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે આર્મી જવાન ભરત ભેટારિયાએ ઓઝત નદીના પાણીમાં ડૂબતાં 3 યુવકોને બચાવી પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે કેબિનેટ મંત્રી, ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં શહીદ જવાનને લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે બલિદાનની અદ્ભુત ઘટના બની છે. ટીકર ગામના વતની ભરત ભેટારિયા છેલ્લા 16 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા, અને એક મહિના પહેલા જ તેઓ રજા પર વતન આવ્યા હતા. ગત તા. 22 ઓક્ટોબરના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ ભરત ભેટારિયા ગામ નજીકથી પસાર થતી ઓઝત નદી પર ગયા હતા. તે સમયે નદીમાં નાહવા પડેલા યુવકોમાંથી 3 યુવકો ડૂબવા લાગ્યા હતા. દેશસેવા અને માનવતાની ભાવનાથી પ્રેરાઈને ભરત ભેટારિયાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ડૂબતાં યુવકોને બચાવવા માટે નદીમાં કૂદકો માર્યો હતો. જોકે, આર્મી જવાનએ ડૂબતા ત્રણેય યુવકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. પરંતુ આર્મી જવાન ઓઝત નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
તો બીજી તરફ, સમગ્ર બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ, ગામના તરવૈયા અને તંત્ર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીમાં ગરકાવ થયેલા આર્મી મેનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, ત્યારે 18 કલાકની જહેમત બાદ ભરત ભેટારિયાનો મૃતદેહ મળી આવ્યો આવ્યો હતો. પોતાના ગામના જ આર્મી જવાને શહીદી વહોરી લેતા ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ, શહીદ જવાન ભરત ભેટારિયાના પાર્થિવ દેહને આર્મી બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા લશ્કરી સન્માન, સલામી અને અદબ સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદ જવાનની અંતિમવિધિમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.