બીલખામાં આંગણવાડીનો વીવાદ ઉગ્ર બન્યો
બાળકોને અઢી કિ.મી.દૂર જવાની ફરજ
હાઇવે ક્રોસ કરતી વખતે અકસ્માતનો ભય
ગ્રામજનોએ તાળાબંધીની ઉચ્ચારી ચીમકી
રજૂઆત બાદ પણ 15 વર્ષથી સમસ્યા યથાવત
જૂનાગઢના બીલખા ગામના આંગણવાડી વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નાના બાળકોને અઢી કિલોમીટર દૂર લઈ જવાની ફરજ પાડવામાં આવતા ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. અને તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
જૂનાગઢમાં બીલખાની આંગણવાડી કેન્દ્ર અઢી કિલોમીટર દૂર બનાવી હોવાનો ગ્રામજનોએ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. નાના બાળકોને હાઇવે ક્રોસ કરીને લઈ જવા પડે છે. જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે. એક તરફ સરકાર કુપોષણ દૂર કરવાના દાવા કરે છે, તો બીજી તરફ અહીંના બાળકોને રોજ બે થી ત્રણ કિલોમીટર સુધી ચાલવું પડે છે. ગામના ઉપસરપંચે સ્પષ્ટ કહ્યું છે કે વારંવારની રજૂઆત છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને હવે તાળાબંધી સિવાયનો વિકલ્પ બચ્યો નથી. આંગણવાડી વર્કરો પણ પરેશાન છે .તેઓએ ભાડાના મકાનમાં આંગણવાડી ચલાવવાની તૈયારી દર્શાવી છે, પરંતુ અધિકારીઓ તરફથી પરવાનગી આપવામાં આવી નથી. પંદર વર્ષથી લટકતો આ પ્રશ્ન હજી ઉકેલાયો નથી.
સમગ્ર મામલે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા જણાવ્યું હતું કે હાલમાં આ વિવાદ સામે આવ્યો છે,અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકોને નજીકના આંગણવાડી કેન્દ્ર પર બેસવા માટેની સૂચના આપવામાં આવી છે.તેમજ વધુ સર્વેની કામગીરી પણ હાથ ધરાશે અને યોગ્ય પગલા લેવામાં આવશે.