Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ચુડવા ગામે નદીના વહેણમાં શ્રમિકો ભરેલી રિક્ષા તણાઈ, 9 શ્રમિકોનું રેસક્યું, 3 મહિલાના મોત...

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં ગતરોજ વરસેલા અનરાધાર વરસાદના કારણે ચુડવા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું,

X

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં ગતરોજ વરસેલા અનરાધાર વરસાદના કારણે ચુડવા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, ત્યારે શ્રમિકો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ હતી. જેમાં 9 શ્રમિકોનું રેસક્યું કરાયું હતું, જ્યારે 3 મહિલાઓ ડૂબી જતાં મોતને ભેટી હતી.

સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે આ અણધાર્યા વરસાદે માણાવદરમાં ત્રણ જિંદગી છીનવી લીધી છે. તેવામાં ગતરોજ માણાવદરમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે ચુડવા ગામની નદીમાં પૂર આવ્યું હતું. જેમાં છત્રાસા અને ચુડવા ગામની વચ્ચે આવેલા ખેતરોમાં કામ કરવા આવેલા લાઠ ગામના 12 શ્રમિકો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ હતી. રિક્ષા નદીના પૂરમાં તણાઇ હોવાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્રને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા આદેશ આપ્યો હતો. માણાવદર વહીવટી તંત્રના મામલતદાર, ટીડીઓ, ફાયર વિભાગ, એનડીઆરએફ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં બચાવ કામગીરી હાથ ધરી 9 શ્રમિકોને રેસક્યું કરાયા હતા. જોકે, 3 મહિલાઓ લાપત્તા બનતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમે મોડી રાત્રે મહામહેનતે એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો, જ્યારે આજે વહેલી સવારે અન્ય 2 મૃતદેહોને પણ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, અણધારી આફતના પગલે 3 મહિલાઓનું મોત નિપજતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Next Story