દિવાળીના તહેવારોમાં લક્ષ્મી પૂજનનું અનેરુ મહત્વ, સ્ત્રીઓના માન સન્માન માટે કોટેચા પરિવારની પહેલ
દિવાળીના તહેવારોમાં લક્ષ્મી પૂજનનું અનેરુ મહત્વ રહ્યું છે. જેમાં લોકો માઁ લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરે છે. જોકે, જુનાગઢનો એક પરિવાર એવો છે કે, જે દિવાળીના તહેવારોમાં લક્ષ્મી માતાની સાથે ઘરની સ્ત્રીઓની પણ પૂજા કરે છે. આ પરિવાર એવો સંદેશો આપે છે કે, ઘરની મહિલાઓ પણ સાક્ષાત લક્ષ્મીજીનો જ અવતાર છે.
પ્રકાશનું પર્વ એટલે દિવાળી અને આ દિવસે લોકો લક્ષ્મીજીનું પૂજન અર્ચન કરતા હોય છે, ત્યારે જુનાગઢમાં કોટેચા પરિવારે આ પરંપરા આજે પણ જાળવી રાખી છે. જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પરિવાર દ્વારા દિવાળીના દિવસે ઘર પરિવારની તમામ મહિલાઓ કે જે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ કહેવાય છે, તેની આરતી ઉતારી પૂજા કરવામાં આવી હતી. આ પરંપરા ગિરીશ કોટેચા દ્વારા વર્ષોથી જાળવી રાખવામાં આવી છે. તેઓએ જણાવ્યુ હતું કે, ઘરની મહિલા એજ લક્ષ્મી સ્વરૂપ હોય છે, તો ઘરની વહુ પણ દીકરી ગણી લક્ષ્મી રૂપે પૂજવામાં આવે તો દિવાળી પર્વ ઉજવવું સાર્થક ગણાશે.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સન્માન કરવાનું કહેવામાં આવ્યુ છે, શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે, ત્યારે છેલ્લા 35 વર્ષથી દિવાળીના પાવન તહેવારોમાં જુનાગઢના કોટેચા પરિવાર દ્વારા સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે. કોટેચા પરિવારના પુરુષો પરિવારની દીકરી, પત્ની અને પુત્રવધૂની પૂજા કરે છે. ગૃહની લક્ષ્મીની પૂજા અર્ચના કરી તેમની માફી માગે છે. તેમનું માનવું છે કે, ઘરમાં જે લક્ષ્મી છે, તેનું માન-સન્માન કરવું જોઈએ, તેથી ક્યારેય દુઃખ આવતું નથી.