ફિલ્મ સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના
નાનોભાઈ બન્યો ભાઈ-ભાભીનો કાતિલ
પોલીસ તપાસમાં ભાભી ગર્ભવતી હોવાનો ખુલાસો
હત્યા બાદ મૃતદેહ ઘરમાં જ દાટી દીધા
પોલીસે તપાસનો કર્યો ધમધમાટ શરૂ
ગુજરાતના નાનકડા ગામમાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચ્યો છે. પોલીસે મૃતકના સગા નાનાભાઈની અટકાયત કરીને આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે. ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે. આ ખોડીયાર આશ્રમની અંદર રહેતા પરિવારમાં માતા, મૃતક મોટો પુત્ર શિવમગીરી,તેની મૃતક પત્ની કંચન કુમારી અને એક સગીર દીકરો હતા.મોટો દીકરો શિવમ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. જ્યારે સગીર દીકરો આશ્રમનું અને ગૌશાળાનું કામ સંભાળતો હતો. દારૂની લત ધરાવતો સગીર દીકરો અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો. આ જ ઝઘડાએ એક દિવસ ખૂની ખેલ રચ્યો.
ખોડીયાર આશ્રમમાં અંદાજે બાર દિવસ પહેલા, જ્યારે માતા વિભાબેન બહાર ગયા હતા.ત્યારે સવારના સમયે જ્યારે શિવમ સૂતો હતો ત્યારે સગીર ભાઈએ તેના માથામાં લોખંડનો પાઇપ મારી તેની હત્યા કરી નાંખી હતી. આ સમગ્ર ઘટના સગીરની ભાભી જોઈ જતા ભાભી કોઈને કહી જશે તેવા ડરથી તેની ભાભીની પણ કરપીણ હત્યા કરી હતી.અને સગીરે ભાઈ ભાભીના મૃતદેહને આશ્રમ નજીક જ એક વાડામાં ઊંડો ખાડો કરી દાટી દીધા હતા.
આ ઘટના બાદ પતિ પત્ની ગુમસુદા બનતા સમગ્ર બાબત અંગે અન્ય પરિવારજનોને જાણ થતા તેઓએ વિસાવદર પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા ગુમસુદાની નોંધ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસનો દોર સીધો ખોડીયાર આશ્રમ ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં આખરે સગીર આરોપી ભાંગી પડ્યો અને તેણે હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો.
વિસાવદરના ASP રોહિત ડાંગર, પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સગીર આરોપીને સાથે રાખી ઘટનાસ્થળ પર ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દ્રશ્યો ભલભલાના રૂંવાડા ઉભા કરી દે તેવા હતા. પોલીસે રૂમમાં ખોદકામ કરી દટાયેલા દંપતી શિવમગીરી અને કંચન કુમારીના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.પોલીસે કોહવાયેલી હાલતમાં કઢાયેલા દંપતીના મૃતદેહને પીએમ માટે મોકલ્યા હતા. તેમજ પોલીસે હાલ સગીર આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.





































