સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ગેસ તેલની શોધ માટે કામગીરી
ONGC દ્વારા માણાવદરમાં ડ્રિલિંગ કામગીરી શરૂ
2023માં કંપની દ્વારા જીયોલોજીકલ સર્વે કરાયો હતો
આધુનિક ટેકનોલોજી સાથે વિશ્વની શ્રેષ્ઠ ટીમ કાર્યરત
માણાવદરના અન્ય વિસ્તારમાં પણ થશે કામગીરી
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ગેસ અને તેલની શોધ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.ONGC દ્વારા માણાવદર તાલુકામાં ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2023માં કંપની દ્વારા જીયોલોજીકલ સર્વે કરાયો હતો અને હવે તેના પર કામગીરી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં દેશની તેલક્ષેત્રની અગ્રગણ્ય કંપની ONGC દ્વારા પૃથ્વીના પેટાળમાં ગેસ અને તેલનો ભંડાર શોધવા માટેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આધુનિક ટેકનોલોજી સાથે વિશ્વની શ્રેષ્ઠ ટીમ કાર્યરત કરવામાં આવી છે, આગામી સમયમાં માણાવદરના અન્ય વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવનાર છે અને જો ગેસ કે તેલ મળી આવશે તો માણાવદરમાં સોનાનો સૂરજ ઉગશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં પહેલીવાર ગેસ-તેલના ભંડાર શોધવા માટે ડ્રિલિંગ કામગીરી શરૂ થઈ છે. માણાવદર સેન્ટરની બંને બાજુ 12 કિલોમીટરના એરિયામાં કેમ્બી એસેટ દ્વારા ડ્રિલિંગ રિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC કંપનીએ સૌરાષ્ટ્રમાં પહેલીવાર તેલ અને નેચરલ ગેસના સંશોધન માટે 2023માં સર્વે કર્યો હતો, જેના પછી હવે ખાસ ટેકનોલોજી દ્વારા ડ્રિલિંગ શરૂ કરાયું છે.
જૂનાગઢ, પોરબંદર, રાજકોટ જિલ્લાના 500 ચોરસ કિલોમીટરના એરિયામાં થોડાં વર્ષ પહેલાં સર્વે કરીને ડેટા એકત્ર કર્યો હતો, માટીને વડોદરા લઈને પ્રોસેસ કરવામાં આવી હતી. આ પ્રોસેસ બાદ હવે બીજો તબક્કો શરૂ થયો છે, જેમાં વર્લ્ડની સૌથી સારી ટેકનોલોજી દ્વારા ડ્રિલિંગ પદ્ધતિથી આ પંથકમાં તેલનું પ્રમાણ છે? જો હોય તો કેટલા જથ્થામાં છે એ જાણી શકાશે.
માણાવદર પંથકના બંને વિસ્તારોમાં જમીનની અંદર 4000 મીટર, એટલે કે 4 કિલોમીટર અંદર સુધી વર્લ્ડ બેસ્ટ ટેકનોલોજીના મશીનરી દ્વારા કામગીરી કરવામાં આવી છે.ONGC કંપની દ્વારા 100 જેટલા હાઈ ક્લાસ એન્જિનિયરો 24 કલાક વર્લ્ડ બેસ્ટ ડ્રિલિંગની કામગીરી કરી રહ્યા છે.