જૂનાગઢમાં રેલવેમાં નોકરીના નામે છેતરપિંડી
નોકરીવાંચ્છુ યુવક બન્યો છેતરપિંડીનો ભોગ
ભેજાબાજે આર્મીમાં કેપ્ટન હોવાની આપી હતી ખોટી ઓળખ
રેલવેમાં લોકો પાયલોટની નોકરી માટે આપી હતી લાલચ
પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ
જૂનાગઢમાં પોતાની ઓળખ આર્મીના કેપ્ટન તરીકે આપી છેતરપિંડી આચરતા ભેજાબાજની પોલીસે ધરપકડ કરી હતી.રેલવેમાં નોકરીની લાલચ આપીને રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.
જુનાગઢના દિવ્યેશ ભૂતિયાને એક ભેજાબાજનો ભેટો થયો હતો,જેમાં પ્રવીણ ધીરૂભાઇ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની આપી ખોટી ઓળખ આપી હતી.અને દિવ્યેશને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપી હતી.પ્રવીણ સોલંકીએ પોતાની વાકછટાથી દિવ્યેશને પોતાના વિશ્વાસમાં લઇ લીધો હતો.અને નોકરી માટે રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.
જોકે સમયસર રેલવેમાં નોકરી અંગેની કોઈ જ કાર્યવાહી ન થતા દિવ્યેશ દ્વારા અનેકવાર પ્રવીણ સોલંકીની પૂછપરછ કરી હતી,જોકે તેમ છતાં પ્રવીણ સોલંકીએ કોઈ જ યોગ્ય ઉત્તર ન આપતા દિવ્યેશને પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અણસાર આવી ગયો હતો,અને આ અંગે જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી.પોલીસે તેની ફરિયાદને આધારે કોડીનાર તાલુકાના પાંચ પીપડવા ગામના પ્રવીણ સોલંકીની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આરોપી બેરોજગાર હોવાથી અગાઉ આર્મી કેમ્પમાં લેબર વર્ક કામ કરતો હતો,અને આર્મી જવાનો અને અધિકારીઓની કાર્યપદ્ધતિથી વાકેફ થયો હતો,આરોપીએ આર્મીના કેપ્ટનની રેન્કનો યુનીફોર્મ મેળવી કેપ્ટન તરીકેના ખોટા આર્મીનુ કેન્ટીન કાર્ડ અને એન.એસ.એ.નુ ઓળખ કાર્ડ બનાવ્યું હતું.
અને પોતે આર્મીમાં કેપ્ટન તરીકે નોકરી કરતો હોય અને હાલ સંસદ ભવનમાં નોકરી કરતો હોવાનું જણાવી રેલવેમાં અલગ-અલગ વિભાગોમાં લોકો પાયલોટ તથા અલગ-અલગ નોકરી અપાવવાની લાલચ આપતો હતો.