જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરી 143 ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જુનાગઢના ધરાનગર, ખાડિયા વિસ્તાર, પ્રદીપ ટોકીઝ વિસ્તાર, ગાંધીગ્રામ, જમાલવાડા, દોલતપરા, સુખનાથ ચોક સહિત અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન કોંબિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાતે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી પોલીસે અચાનક કોમ્બિગ કરી જુનાગઢના માથાભારે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
જેમાં ગુનાહિત કૃત્યો કરનાર, હિસ્ટરી શૂટર, આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખનાર શખ્સોને પોલીસે ઝબ્બે કર્યા હતા. આ સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે વાહનો, હથિયારો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત વર્ષ 2023માં થયેલ મજેવડી કાંડના મુખ્ય 3 આરોપી સલીમ સાંધ, શહેબાઝ બ્લોચ અને રિઝવાન અરબની પણ અટકાયત કરવામાં આવી હતી. જોકે, જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઇઝ કોમ્બિંગના પગલે અન્ય ગુનાહિત કૃત્યો કરનાર શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.